PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે માનસિક બીમારીથી પીડિત ઇસમે રાત્રિના સમયે તેની પત્નીના ગળામાં કોઈ તીક્ષ્ણ હથિયાર ફેરવી ગળું કાપી નાંખી મોત નીપજાવેલ છે. આ બનાવથી ભારે ચકચાર મચી જવા પામેલ છે. આ હત્યા સંદર્ભે હત્યા કરનાર ઈસમ વિરૂદ્ધ તેના જ પુત્રએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગરબાડા તાલુકાનાં ઝરીબુઝર્ગ ગામના મુંડીયા ફળિયાના રહેવાસી ગબલાભાઈ વીરસીંગભાઈ સંગોડ કે જેઓ છેલ્લા ચારેક મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હોય જેથી તેમનો પુત્ર નામે કલેશભાઈ ગબલાભાઈ સંગોડ અવારનવાર મંદિરોમાં તથા બડવા ભુવાઓ પાસે વિધિ કરાવી અને દેશી દવાથી તેમનો ઈલાજ કરાવતા હતા પણ તેમને સારું થતું ન હતું જેથી ગબલાભાઈની પત્ની ધનકીબેન તેઓની ઘરે દેખરેખ કરતાં હતા.
ગઈકાલ તારીખ.05/05/2017 ના રોજ રાત્રિના સમયે ગબલાભાઈ વીરસીંગભાઈ સંગોડ કે જેઓને માનસિક બીમારી વધારે ઉખળી જતાં અને તેમના હાથમાં કોઈ તીક્ષ્ણ હથિયાર આવિ જતાં તેમને રાત્રિના દશેક વાગ્યાના સુમારે અજુગતામાં તેમના ઘરના આંગણે બહાર ખાટલામાં સૂતેલ તેમની પત્ની નામે ધનકીબેનના ગળામાં કોઈ તીક્ષ્ણ હથિયાર ફેરવી ગળું કાપી નાંખી ધનકીબેનનું ઘટના સ્થળેજ મોત નીપજાવેલ છે.
આ હત્યા કરનાર ગબલાભાઈ વીરસીંગભાઈ સંગોડ વિરૂદ્ધ તેમના જ પુત્ર કલેશભાઈ ગબલાભાઈ સંગોડે તેની માતાની હત્યા સંદર્ભે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.47/17 ઇ.પી.કો. કલમ.302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.