દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઈ ગામે બે મોટર સાઇકલો વચ્ચે અકસ્માત થતાં બે ઇસમોના કરૂણ મોત નીપજેલ છે. જેમાં એક ઈસમનું ઘટના સ્થળે મોત નીપજેલ છે. જ્યારે બીજા ઈસમનું દાહોદ દવાખાનમાં સારવાર દરમ્યાન મોત નીપજેલ છે. આ અકસ્માત બાબતે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગઈ કાલ તા.૦૭/૦૫/૨૦૧૯ મંગળવાર ના રોજ ગરબાડા તાલુકાનાં નાંદવા ગામના ધુળાભાઈ રૂપાભાઈ ગોહિલ તથા આજ ગામના તેમના મોટા કાકાના છોકરા ભાવેશ મથુરભાઇ ગોહિલ એમ બંને જણ નાંદવા ગામની જાન એમ.પી. માં જતી હોઈ જેથી સાંજે પાંચેક વાગ્યાના અરસા માં જાનમાં જવા ભાવેશભાઈની મોટર સાઇકલ નંબર.GJ ૨૦ AA ૦૮૦૫ ની લઈને જતાં હતા અને ભાવેશભાઈ મોટર સાઇકલ હંકારતા હતા અને ધુળાભાઇ તેમની પાછળ બેઠા હતા તે દરમ્યાન સાંજના સાડા છ વાગ્યાના સુમારે નળવાઈ ગામે આવતા રોડ ઉપર ગરબાડા તરફથી દાદુર ગામના ઝીથરાભાઈ ભારતભાઈ બામણીયા પૂરઝડપે અને ગફલતભરી રીતે તેની GJ ૦૩ BH ૮૨૦૩ નંબરની મોટર સાઇકલ હંકારી લાવી નાંદવા ગામના ભાવેશભાઈની મોટર સાઇકલ સાથે અથડાવી અકસ્માત કરતાં ભાવેશભાઈ તથા ધુળાભાઈ રોડ ઉપર પડી ગયેલ અને GJ ૦૩ BH ૮૨૦૩ ની મોટર સાઇકલ ચાલક ઝીથરાભાઈ પણ રોડ ઉપર પડી ગયેલ. આ અકસ્માતમાં ભાવેશભાઈને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થયેલ હોય અને માથામાંથી ખુબજ લોહી નીકળતા બેભાન જેવો પડેલ હોય જેથી ધુળાભાઇએ બૂમાબૂમ કરતાં આજુબાજુના માણસો ભેગા થઈ ગયેલ અને ભાવેશભાઈને જોયેલ તો ભાવેશભાઈનું ઘટના સ્થળે મોત નીપજેલ તથા ધુળાભાઈને જમણી આંખની ભ્રમર ઉપર તથા ડાબા પગે ઇજા થયેલ. અને GJ ૦૩ BH ૮૨૦૩ નંબરની મોટર સાઇકલના ચાલક ઝીથરાભાઈને પણ માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થયેલ હોય જેથી ઝીથરાભાઈને ૧૦૮ વાન મારફતે દાહોદ દવાખાને લઈ ગયેલ અને તેમનુ પણ દાહોદ ખાતે દવાખાને સારવાર દરમ્યાન મોત નીપજેલ.
આ અકસ્માત બાબતે નાંદવા ગામના ધુળાભાઈ રૂપાભાઈ ગોહિલે મોટર સાઇકલ નંબર GJ ૦૩ BH ૮૨૦૩ ના ચાલક ઝીથરાભાઈ ભારતભાઇ બામણીયા વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.