- તબીબોની બેદરકારીના આક્ષેપ સાથે મૃતક મહિલાના પરિવારજનોનો દવાખાનામાં હોબાળો.
- મૃતક મહિલાના પતિએ ગરબાડા પોલીસ સ્ટેશન માં હાલ એ.ડી.નોંધાવી.
- મહિલાની લાશને ફોરેન્સિક માટે વડોદરા લઈ જવામાં આવી.
પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ધાનપુર તાલુકાના મોટી મલુ ગામના શૈલેષભાઈ જુવાનસિંહભાઈ કટારાના લગ્ન બે વર્ષ પહેલા દાહોદ જિલ્લાના આગાવાડા ગામની સુરતાબેન મંડોડ સાથે થયા હતા અને સુરતાબેનને છેલ્લા દિવસો જતા હોઇ ગઇકાલ તારીખ.૧૦ મી ના સવારના આઠ કલાકે સુરતાબેનને પ્રસવ પીડા ઉપડતા તેઓએ આ બાબતની જાણ તેમના પતિ શૈલેષભાઈને કરી હતી. જેથી શૈલેષભાઈ તથા તેમના પરિવારજનો સુરતાબેનને મંડોરના સરકારી દવાખાને લઇ ગયા હતા ત્યાંના તબીબે સુરતાબેનની સોનોગ્રાફી કરવા માટેનું જણાવતાં તેઓ પરત ઘરે પાછા આવી ગયા હતા અને ઘરે પહોંચી ગયા બાદ સુરતાબેનને વધુ દુખાવો ઉપડતાં તેમને ખાનગી વાહનમાં ગરબાડા તાલુકાના પાંચવાડા પી.એચ.સી. ખાતે લાવ્યા હતા અને પાંચવાડા પી.એચ.સી.ના ડોક્ટરે તપાસ કરી નોર્મલ ડિલિવરી થઈ જશે તેમ જણાવી સુરતાબેનને બે ઈન્જેકશન આપ્યા હતા ત્યાર બાદ સુરતાબેનને એકદમ ગભરામણ થતાં બીજા ડોક્ટરે તપાસ કરી અને પેટ ઉપર હાથથી દબાણ કરતા સુરતાબેનને એકદમ ગભરામણ વધી ગયેલ અને તેઓ બેભાન થઈ જતાં સુરતાબેનને વધુ સારવાર માટે દાહોદ લઈ જવા શૈલેષભાઈએ ૧૦૮ વાનને ફોન કર્યો હતો અને ૧૦૮ વાન આવી જતાં તેઓએ નવ વાગ્યાના સમયે સુરતાબેનને તપાસતા સુરતાબેન મરણ ગયેલ છે તેવું જણાવેલ.
સગર્ભા મહિલાના તેના શિશુ સહિત પ્રસુતિ દરમ્યાન મોત નીપજતા તબીબોની બેદરકારીના લીધે સુરતાબેનનું મૃત્યુ થયું છે તેવો મૃતક મહિલાના પરિવારજનોએ આક્ષેપ કરી મહિલાની લાશ સ્વીકારનો ઇન્કાર કરી દવાખાનામાં હોબાળો મચાવતા દવાખાનામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આગેવાનોએ તથા પોલીસે ભેગા મળી તેઓને આશ્વાસન આપી સમજાવતા તેઓ મહિલાની લાશને પોસ્ટમર્ટમ માટે તૈયાર થયા હતા. બીજી તરફ સુરતાબેનનું મૃત્યુ કયા કારણોસર થયું તે જાણવા સુરતાબેનની લાશને ફોરેન્સિક તપાસણી માટે વડોદરા મોકલવામાં આવી છે.