PRIYANK CHAUHAN GARBADA
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધાવાનીની શ્રીરામ ફાઇબર પ્રાઇવેટ લી. ગંધાવાનીથી સોયાબીન (ડીઓસી) ભરીને હરિકૃપા ટ્રાન્સપોર્ટની એમપી.૦૯.એચએચ.૫૯૮૨ નંબરની ટ્રક લઈ ડ્રાઇવર તથા કંડક્ટર ગુજરાતના મુંદ્રાપોર્ટ ઉપર ખાલી કરવા જતાં હતા અને તેઓ જોબટથી ભાભરા થઈ દાહોદ હાઇવે ઉપર આવતા હતા તે દરમ્યાન રાત્રિના નવેક વાગ્યાના અરશામાં ગરબાડા તાલુકાનાં મિનાકયાર નાકાથી આગળ આવતા પાટીયાઝોલ નદીના પુલના વળાંકમાં થોડો ધુમ્મસ હોવાના કારણે સામેથી આવતી ગાડીના લાઇટના કારણે રસ્તો સાફ નહીં દેખાતા ટ્રક ડ્રાઇવરે બ્રેક મારેલ પરંતુ વળાંક હોવાથી ટ્રક ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક રોડની સાઇડમાં પલ્ટી મારી નદીના પાણીમાં ખાબકી હતી અને ટ્રક ડ્રાઇવર તથા કંડક્ટર પણ કેબિનની અંદર ફાંગોળાઈ ગયેલા પરંતુ તેમણે કોઈ ઇજા થઈ ન હતી. ટ્રક નદીમાં ખાબકવાના કારણે ટ્રકની અંદર ભરેલ સોયાબીન (ડીઓસી)ની ગુણો ફાટી જવાથી સોયાબીન (ડીઓસી) વિખેરાઈ જતાં નદીના પાણીમાં તણાઇ ગયેલ અને ટ્રકની બોડી દબાઈ ગયેલ અને નુકશાન થયેલ. ટ્રક પલ્ટી ખાધાની ગામમાં રહેતા આજુબાજુના લોકોને જાણ થતાં ત્યાં માણસો દોડી આવ્યા હતા અને ટ્રક ડ્રાઇવર તથા કંડક્ટરને ટ્રકના કેબિનમાથી બહાર કાઢ્યા હતા.
આ બાબતે ટ્રકના ડ્રાઇવર અંબારામ બાબુલાલ મુજાબદા(ભીલાલા) એ ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.સે.ગુ.ર.નં.૭/૧૭ ઇ.પી.કો.કલમ.૨૭૯,૪૨૭, એમ.વી.એક્ટ.કલમ.૧૭૭,૧૮૪ મુજબ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર પાટીયાઝોલ નદીના પુલના વળાંકમા ભૂતકાળમા અનેક વખત વાહન નદીમા ખાબકવાના તથા અકસ્માત થવાના બનાવો બની ચૂક્યા છે.