ગરબાડા તાલુકાનાં ભે ગામેથી લગ્નવિધિ પતાવી પરત જતી જાનમાં ટ્રેક્ટરમાં બેઠેલ મહિલા નીચે પાડી જતાં ટ્રેક્ટરનું વ્હીલ તેના માથા ઉપર ફરી વળતાં તે મહિલાનું કરૂણ મોત નીપજેલ છે. જે બાબતે મૃતક મહિલાના પતિ મોતીભાઈ પીદીયાભાઈ પરમારે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.
પોલીસ સૂત્રો તરફથી મળેલ માહિતી મુજબ, ફરિયાદી મોતીભાઈ પીદીયાભાઈ પરમારના કુટુંબી ભત્રીજા અજયભાઇ બાદુભાઇ પરમારની જાન દાહોદ જિલ્લાના વરમખેડા ગામેથી ગરબાડા તાલુકાનાં ભે ગામે લાવવાની હોય જાન લાવવામાં માટે વાહનો મંગાવેલ હતા જેમાં વરમખેડા ગામના ભારતભાઈ હસનાભાઈ પરમારનાઓ ટ્રેક્ટર લઈને આવેલ હતા જેમાં ફરિયાદી મોતીભાઈ પીદીયાભાઈ પરમાર તથા તેમની પત્ની વેસ્તીબેન તથા ગામના બીજા માણસો ટ્રેક્ટરમાં બેસી ભે ગામે જાનમાં આવેલ અને લગ્નવિધિ પતાવી ફરિયાદી મોતીભાઈ પીદીયાભાઈ પરમાર તથા તેમની પત્ની વેસ્તીબેન તથા તેમના કુટુંબના અન્ય માણસો પરત ભારતભાઈ હસનાભાઈ પરમારના ટ્રેક્ટરમાં બેસી વરમખેડા જવા માટે નીકળેલ તે વખતે ભે ગામે વળાંક આવતા ટ્રેક્ટરના ડ્રાઇવર ભારતભાઈ હસનાભાઈ પરમારે તેનું ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા આશરે સાડા ચારેક વાગ્યાના સુમારે વળાંકમાં વેસ્તીબેન ટ્રેક્ટરમાંથી નીચે પાડી જતાં ટ્રેક્ટરમાં બેઠેલ અન્ય લોકોએ બૂમાબૂમ કરતાં ટ્રેક્ટર ઊભું રાખેલ અને બધા નીચે ઉતરીને જોતાં વેસ્તીબેનના માથામાં ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળેલ અને વેસ્તીબેનના માથામાંથી લોહી નીકળતું હતું જેથી ૧૦૮ મોબાઇલ વાન બોલાવી વેસ્તીબેનને ગરબાડા સરકારી દવાખાને લાવતા ડોક્ટરે વેસ્તીબેન મરણ ગયેલ હોવાનું જણાવેલ.
આમ, ટ્રેકટરમાં સવાર વેસ્તીબેન નીચે પાડી જતાં ટ્રેક્ટરનું વ્હીલ વેસ્તીબેનના માથા ઉપર ફરી વળતાં વેસ્તીબેનનું કમકમાટીભર્યું મોત નીપજેલ છે.
આ બાબતે મૃતક વેસ્તીબેનના પતિ મોતીભાઈ પીદીયાભાઈ પરમારે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ટ્રેક્ટરના ચાલક ભારતભાઈ હસનાભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૯/૧૬ ઇ.પી.કો.કલમ.૨૭૯, ૩૦૪(અ),એમ.વી.એક્ટ. ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.