PRIYNK CHAUHAN GARBADA
સમગ્ર રાજ્યમા આગામી તારીખ.૨૭ ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેને લઈને ચૂંટણીનો ગરમાવો બરાબર જામતો નજરે પડે છે.
સરકારશ્રીના જાહેરનામા મુજબ ગરબાડા તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તારીખ.૨૭ ડિસેમ્બરના રોજ યોજાનાર હોય જેને લઈને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ચૂંટણીમાં સરપંચ માટે ૧૫૪ અને વોર્ડ સભ્ય માટે ૬૪૬ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી ઉમેદવારી પત્રો ગરબાડા મામલતદાર ઓફિસ તથા તાલુકા પંચાયતમાં રાજુ કર્યા હતા. ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાતાં સરપંચ માટે ૦૪ તથા વોર્ડ સભ્ય માટે ૧૦ ઉમેદવારોના ફોર્મ વિવિધ કારણોસર રદ થયેલ છે.
ફોર્મ પરત ખેંચવાના દિવસે સરપંચ માટે ૬૦ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા જ્યારે વોર્ડ સભ્ય માટે ૧૨ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા. ગરબાડા તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતના કુલ ૨૩૬ વોર્ડમાંથી સરપંચ માટે ૧ ઉમેદવાર તથા વોર્ડ સભ્ય માટે ૫૨ ઉમેદવારો ચૂંટણી લડ્યા વિના જ બિનહરીફ જાહેર થયા છે જેમાં ગરબાડા તાલુકાની માતવા ગ્રામ પંચાયતના સરપંચ માટે ૧ ઉમેદવાર તથા વોર્ડ સભ્ય માટે ૧૦ ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં માતવા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે.આમ માતવા ગ્રામ પંચાયત સમરસ થતાં ગરબાડા તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતો પૈકી ૨૨ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેમાં સરપંચ માટે ૮૯ તથા વોર્ડ સભ્ય માટે ૫૭૨ ઉમેદવારો મેદાન રહેતા તેમના વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.