PRIYANK CHAUHAN – GARBADA
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત ગણતંત્ર દિવસનું ધ્વજવંદન ગામમાં કે વિસ્તારમાં સૌથી વધારે ભણેલી અને ઉચ્ચ ડિગ્રી ધરાવતી કન્યાના હસ્તે કરાવવાનું હોય જે અંતર્ગત ગરબાડા તાલુકા કુમાર શાળામાં ભાભોર પ્રિતીબેન ભારતસિંહના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું અને ધ્વજવંદન કરનાર ભાભોર પ્રિતીબેન ભારતસિંહને સન્માનપત્ર તથા સ્મૃતિ ચિન્હ (સિલ્ડ) એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સાથે સાથે રૂમિકાબેન પંચાલ તથા હઠીલા કાજલબેન કરણભાઈને પણ સન્માનપત્ર તથા સ્મૃતિ ચિન્હ (સિલ્ડ) એનાયત કરી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ગરબાડા તાલુકાનો તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભે ગામે રાખવામા આવી હતી જેમાં ગરબાડા મામલતદાર સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદનમાં કાર્યક્રમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામના વિકાસ અર્થે સરકાર તરફથી ભે ગ્રામ પંચાયતના સરપંચને રૂપિયા પાંચ લાખનો ચેક ગરબાડા મામલતદાર સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગરબાડા તાલુકાનાં ગુંગરડી ગામે ૬૮ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું તથા સાથે સાથે ગુંગરડી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગરબાડા તાલુકામાં પંચાયત ઓફિસ, સરકારી કચેરીઓ, પોલિસ સ્ટેશન, ગામની તથા તાલુકાની અન્ય શાળાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
૨૬મી જાન્યુઆરીનો દિવસ આપણાં ભારત દેશના ઈતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. કારણ કે, ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.