ગરબાડા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આંબલી ગામે કરવામાં આવી હતી જેમાં સવારના ૦૯:૦૦ કલાકે ગરબાડાના મામલતદાર મયંક પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનમાં કાર્યક્રમની સાથે સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ અવનવી ૧૫ જેટલી કૃતિઓ રજૂ કરી હતી. સરકાર તરફથી આંબલી ગ્રામ પંચાયતને ગામના વિકાસ અર્થે રૂપિયા પાંચ લાખનો ચેક ગરબાડા મામલતદાર મયંક પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
ગ્રામ પંચાયત ગરબાડા ખાતે ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ગરબાડા-૧૩૩ ધારાસભ્ય, તાલુકા સભ્ય તથા નગરજનો તેમજ ગામના વરિષ્ઠ નાગરિકો, શાળાના બાળકો તેમજ શિક્ષકગણ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ગુજરાત રાજ્યમાં દોડમાં બીજો નંબર આવનાર ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા અજયકુમાર રાઠોડનું તેમજ ગરબાડા ગામના ૧૧ જેટલા વરિષ્ઠ નાગરિકોનું તેમજ ૧ માજી સૈનિકનું ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગરબાડા તાલુકા કુમાર શાળામાં ભાભોર રંજનબેન ભારતસિંહના હસ્તે તેમજ ગરબાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયત ઓફિસ, સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશન, ગામની તથા તાલુકાની અન્ય શાળાઓમાં તથા સંસ્થાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન-બાન-શાનથી કરવામાં આવી હતી અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.