PRIYANK CHAUHAN GARBADA
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જૂની રૂ।.૫૦૦ તથા ૧૦૦૦ ના દરની ચલણી નોટો રદ કરાયા બાદ છૂટા પૈસાની નાણાંકીય સમસ્યા વચ્ચે જીવન જરૂરિયાતના પૂરતા છૂટા નાણાં લોકોને મળી રહ્યા નથી પરીણામે છતા નાણાંએ લોકો, ખેડૂતો તેમજ વેપારી વર્ગ આર્થિક રીતે નાણાંકીય ભીંસ અનુભવી રહ્યા છે જેને લઈને કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારના રૂ।.૫૦૦ તથા ૧૦૦૦ ના દરની ચલણી નોટોનો નોટબંધીનો વિરોધ કરવા પાંચ દિવસના વિવિધ કાર્યક્રમો આપેલ છે અને કોંગ્રેસ દ્વારા દેશભરમાં અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
તેના ભાગરૂપે આજે ત્રીજા દિવસે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ હાથમાં બેનરો રાખી વાહન તથા પગપાળા રેલી કાઢી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ગરબાડા ખાતે મેઇન બજારમાં આવેલ માતાજી મંદિરના ચોકમાં રસ્તા ઉપર દુધ ઢોળવાનો તેમજ શાકભાજી ફેકવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ભુરીયા સહિત કોંગ્રેસના આગેવાનો તથા કોંગ્રેસી નાનામોટા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારના નોટબંધી સામે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી તારીખ.૨૮/૧૧/૨૦૧૬ ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને સફળ બનાવવા ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું.