ગરીબ દર્દીઓને રાહત દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવા મળી રહે અને પોતાનો જીવ ગુમાવવો ન પડે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પૂર્વે અનેક જન ઔષધિ મેડિકલ સ્ટોર ખોલવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત દેશભરમાં અનેક જગ્યાએ આવી સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટેના જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત આદિવાસી બહુલતા ધરાવતા ગરબાડા તાલુકાની પ્રજાને બ્રાંડેડ દવાઓ કરતાં ૨૦ થી ૯૦ ટકા સુધીના સસ્તા ભાવે જેનેરિક દવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા ગરબાડા ખાતે પણ ભારતીય પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ગરબાડા ગ્રામીણ બેંકની પાસે વિપુલભાઈ જોશીના વેદાંત મેડિકલ સ્ટોર્સમાં કાર્યરત કરવામાં આવ્યું છે. આવનાર પાંચ છ દિવસમાં જ તમામ પ્રકારની સસ્તા ભાવની જેનેરિક દવાઓ અહી ઉપલબ્ધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બ્રાંડેડ દવાની સરખામણીમાં જેનેરિક દવાના પત્તા અને દવાની સાઈઝ અલગ અલગ હોય શકે છે પરંતુ દવાની ગુણવત્તા બ્રાંડેડ દવા જેટલી જ રહેશે જેમાં 600 ઉપરાંત ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ તથા 154 જેટલી સર્જિકલ ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે