PRIYANK CHAUHAN GARBADA
ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ગરબાડા મઢી ફળીયા વિસ્તારમાં આવેલ ગરબાડા સબ પોસ્ટ ઓફિસને નિશાન બનાવી હતી અને પોસ્ટ ઓફિસના તાળાં તોડી ઓફિસમાં પ્રવેશ કરી પોસ્ટ ઓફિસનો રેકોર્ડ તથા અન્ય સમાન તથા કાઉન્ટર તથા તેના ડ્રોવર વેરવિખેર કર્યા હતા અને તસ્કરોએ બીજા રૂમમાં પ્રવેશ કરી દીવાલમાં ચણતર કરીને રાખેલ લોખંડની ટ્રેજરીમાં મુકેલ રોકડ રકમ, નોન-જ્યુડિ.સ્ટેમ્પ, ટપાલ ટિકિટો તથા રેવન્યૂ ટિકિટો સહિતની લોખંડની ટ્રેજરી દીવાલ સાથેનું ચણતર તોડી દીવાલમાંથી ટ્રેજરી કાઢી તેમની સાથે લઈ જઈ ફરાર થઈ ગયેલ છે. આ બાબતે સબ પોસ્ટ માસ્તરે ગરબાડા પોલીસ સ્ટેશનમા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરીયાદ નોંધાવેલ છે.
પોલીસ સૂત્રો તરફથી મળેલ માહિતી મુજબ, તારીખ.૦૩/૧૦/૨૦૧૬ ના રોજ પોસ્ટ માસ્તર તથા તેમનો સ્ટાફ તેમના સમય પ્રમાણે ઓફિસમા આવ્યા હતા અને ઓફિસનું રોજેરોજનુ કામ કરીને પોસ્ટ માસ્તરે ગ્રાહકોને ચૂકવાના નાણાં તથા નોન-જ્યુડિશ્યલ સ્ટેમ્પ તથા ટપાલ ટિકિટો તથા રેવેન્યૂ ટિકિટો વિગેરે મૂકવા માટે પોસ્ટ ઓફિસમા લોખંડની ટ્રેજરીની વ્યવસ્થા હોય જે ટ્રેજરીમા રોકડ રૂપિયા ૪૫૧૮૮/- તથા નોન-જ્યુડિશ્યલ સ્ટેમ્પ તથા ટપાલ ટિકિટો તથા રેવન્યૂ ટિકિટો વિગેરે ટ્રેજરીમા મૂકી ટ્રેજરીને ડબલ લોક મારી એક ચાવી પોસ્ટ માસ્તરે તેમની પાસે રાખી હતી અને બીજી ચાવી આસીસ્ટંટ સુરેશભાઈ પ્રતાપભાઈને પરમારને આપી સાંજના સાડા પાંચ વાગ્યે તેમના સ્ટાફને રજા આપી પોસ્ટ ઓફિસના મકાનના બારી બારણાં બંધ કરી અને મુખ્ય દરવાજા ઉપર બે દરવાજા હોય જે અંદરનો લોખંડનો ચેન શટર જાળી વાળો બંને બાજુથી બંધ કરી તાળું મારી અને બહારનો દરવાજો બંધ કરી દરવાજાને તાળું મારી બંને ચાવીઓ લઈ પોસ્ટ માસ્તર તથા તેમનો સ્ટાફ જતાં રહેલ.
ત્યાર બાદ તારીખ.૦૩/૧૦/૨૦૧૬ ના સાંજના સાડા પાંચ વાગ્યાથી તારીખ.૦૪/૧૦/૨૦૧૬ ના સવારના આઠ વાગ્યાના સમય દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરોએ પોસ્ટ ઓફિસના તાળાં તોડી તેમાં પ્રવેશ કરી પોસ્ટ ઓફિસના રેકોર્ડ તેમજ કાઉન્ટર તથા ડ્રોવરો વેરવિખેર કરી બીજા રૂમમાં દીવાલમાં ચણતર કરીને રાખેલ લોખંડની ટ્રેજરીમાં રોકડ રકમ રૂપિયા ૪૫૧૮૮/- મુકેલ હતી તે રોકડ રકમ તથા નોન-જ્યુડિ.સ્ટેમ્પ કિંમત-રૂ.૩૦૮૦/- તથા ટપાલ ટિકિટો કિંમત-રૂ.૭૩૧૪/-તથા રેવન્યૂ ટિકિટો કિંમત-રૂ.૧૮૮૦/- સહિતની લોખંડની ટ્રેજરીને અજાણ્યા તસ્કરોએ ચણતર તોડી દીવાલમાંથી ટ્રેજરી કાઢીને તેમની સાથે લઈ જઈ ફરાર થઈ ગયેલ છે.
આ બાબતે ગરબાડા પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તર બચુભાઈ રામસિંહ સોલંકીએ આજ રોજ તારીખ-૦૪/૧૦/૨૦૧૬ના રોજ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૬/૧૬ ઇ.પી.કો.કલમ. ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળનીતપાસ હાથ ધરેલ છે અને આ બનાવ બન્યા બાદ ચોરોની ભાળ મેળવવા ડોગ સ્ક્વોર્ડની પણ મદદ લેવાઈ હતી.