PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકાનાં ગાંગરડી ગામે શ્રી રંગ અવધુત પરીવાર ગાંગરડી દ્વારા શ્રી રંગ અવધુત ગુરૂમહારાજની પાદુકાનું પુજન તથા દત્તયાગનાં બે દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને લઈને આખા ગાંગરડી ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
તા.૧૫/૦૧/૨૦૧૭ ના રોજ પૌરાણીક ડમણીયાને સજાવી તેમાં નારેશ્વરથી શાસ્ત્રીજી શ્રી સર્વદમનભાઇ તથા અન્ય વિપ્રવૃંદ દ્વારા લાવવામાં આવેલ શ્રી રંગ અવધુત ગુરૂમહારાજની પાદુકાની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સાંજના ચાર કલાકે નીકાળવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને ભક્તોએ પોતપોતાના ઘર આંગણે પૂજ્ય ગુરૂમહારાજની પાદુકાનું પુજન કરી રંગના રંગમાં રંગાયા હતા તથા રાત્રીનાં આઠ કલાકે સર્વદમનભાઇ શાસ્ત્રીજી દ્વારા પૂજ્ય બાપજી વિશેની વાતો તથા ગીતાબેન ગઢવી દ્વારા દત્ત ભગવાન તથા રંગઅવધુત મહારાજનાં ભજનોની રમઝટ જમાવવામાં આવી હતી.
આજ તા.૧૬/૦૧/૨૦૧૭ ના રોજ સવારના આઠ કલાકથી મહાકાળી માતાના મંદિરનાં પટાંગણમાં શાસ્ત્રીજી શ્રી સર્વદમનભાઇ અને દશ જેટલા અન્ય વિપ્રવૃંદ દ્વારા સંગીતમય રીતે દત્તયાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને દત્તયાગના ધાર્મિક કાર્યક્રમમાં સોળ જેટલા જોડાએ ભાગ લીધો હતો
સાંજે દત્તયાગની પૂર્ણાહુતી તથા આરતી, ધુન બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનો લ્હાવો લીધો હતો.