આજે તા.૧૨/૦૮/૨૦૨૨ ને શુક્રવારના દિવસે ગુજરાત રાજ્યના મૃદુ અને સરળ સ્વભાવના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને મુખ્યમંત્રી જોડે સમગ્ર ગુજરાત રાજ્યના કુલ ૧૧૧ ગોળ / વાડા નાં દરજી સમાજના દરજીઓની શુભેચ્છા મુલાકાતનું આયોજન થયું હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના છેવાડાનાં ગામથી પણ દરજી સમાજના પ્રમુખ, મંત્રી કે સભ્ય હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમસ્ત દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, કાર્યકારી પ્રમુખ અને અન્ય ટ્રસ્ટીઓ તથા અખિલ ગુજરાત દરજી જ્ઞાતિના પ્રમુખ, મંત્રી અને સભ્યો હાજર રહ્યા હતા. અને તેમના દ્વારા મુખ્યમંત્રી ને બુકે આપી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. એક અંદાજ મુજબ લગભગ ૮૦૦ જેટલા દરજી બંધુઓ આ શુભેચ્છા મુલાકાત માટે ઠેર ઠેર થી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય મંત્રીના નિવાસ સ્થાને દરેક માટે શ્રાવણ માસ અને ચાતુર્માસ ચાલતો હોવાથી ફરાળી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડે મિલન મુલાકાતનો દોર ચાલ્યો હતો. આ કાર્યક્રમ સાંજના ૦૬;૪૫ કલાકે ચાલુ થયેલ અને રાત્રીના ૦૮:૩૦ કલાકે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દરજી સમાજના પદ્મશ્રી એવોર્ડથી નવજાયેલ કનુભાઈ દરજી, સમાજના અગ્રણી એવા સુરત શહેરના સાંસદ દર્શનાબેન જરદોશ (કેન્દ્રીય મંત્રી), બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદેયભાઈ કનગડ, પ્રભારી તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પદ્મશ્રી કનુભાઈ દરજી દ્વારા મુખ્યમંત્રી નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારી અડધી જિંદગી ગાંધી નગરમાં સચિવાલય માં કોઈક ને કોઈક નેતાને હંમેશા મળવા આવવાનું થતું પરંતુ આ મુખ્યમંત્રી કંઈક જુદા છે. અને કહ્યું કે આટલા મુખ્ય મંત્રીઓ આવ્યા ને ગયા પરંતુ આ પહેલા એવા મુખ્યમંત્રી છે કે જેઓએ દરજી સમાજને ભોજન જમાડ્યું. અને વધુમાં તેમણે એમ પણ કહ્યું કે હું એક હજારના સ્ટેમ્પ ઉપર લખી ને આપુ છું કે અમારો દરજી સમાજ હરહંમેશ આપની સાથે જ ઉભો રહેશે. આપ જ્યારે કહેશો ત્યારે અમે આપના માટે હાજર રહીશું.
કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ એવા દર્શનાબેન જરદોશ દ્વારા દરજીબંધુઓ માટે અનેક વિધ યોજનાઓ છે કે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને ટેલરિંગના કોર્ષ કરવા માટે પણ આપણે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવી જોઈએ અને સમાજના યુવાનોને દરજી કામની તાલીમ આપવી જોઇએ અને તેના માટે જે કંઈ પણ મદદ ની જરૂર હોય તો હું તમારી સાથે જ રહીશ.
ત્યારબાદ મુખ્યમંત્રીએ બહુ સરળ અને મૃદુભાષી પ્રવચન કર્યું હતું અને કહ્યું કે હું દર સોમવાર અને મંગળવારના દિવસે દરેકને મળવા માટે પૂરતો સમય આપુ છું અને તેમના પ્રશ્નોના નિકાલ કરવાની કોશિશ પણ કરું છું. અને પછી દરેક દરજી બંધુઓને “હર ઘર તિરંગા” અંતર્ગત રાષ્ટ્રધ્વજ આપ્યા હતા અને એક એક હેન્ડ ક્રાફટ વાળી ગિફ્ટ આપી હતી, જેમાં મોદી સરકારના આંઠ વર્ષમાં કરેલ કાર્યવાહીની પુસ્તકો આપી હતી અને કહ્યું કે આ દરેક પુસ્તકમાં મોદી સરકારની કરેલ કામગીરી અને યોજનાઓનું સુચારુ માર્ગદર્શન છે જે આપ વાંચશો તો આપન ખ્યાલ આવશે કે મોદીજી છેક પાયાના સ્તરે પહોંચી કાર્ય કરેલ છે. અને અંતમાં તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું કે અમે બધા તો એક સામાન્ય કાર્યકર છીએ. આપ જ્યારે કહેશો ત્યારે મુલાકાત ગોઠવીશુ. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડે શુભેચ્છા મુલાકાત અને ફોટો સેશન નું આયોજન થયું અને તેમાં સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે અને મહિલા મોરચાની મહિલાઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાખડી બાંધી હતી. અને ત્યારબાદ આ કાર્યક્રમને પૂરો જાહેર કરવામાં આવ્યો હતો.