દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીજી, જિલ્લા પંચાયતના પ્રમુખ એ રક્તદાન કરીને સૌને પ્રેરીત કર્યા.
દાહોદ જિલ્લા પંચાયત દાહોદ ખાતે આજે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિતના મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓ, કર્મચારીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને આ પુનિત કાર્યમાં સહભાગી થયા હતા.
જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં કુલ ૧૮૭ યુનીટ બ્લડ કર્મયોગીઓએ ડોનેટ કર્યું હતું. આરોગ્યકર્મીઓએ પણ આ શિબિરમાં ઉત્સાહ સાથે ભાગ લઇ ૧૧૧ યુનીટ બ્લડ ડોનેટ કર્યું હતું. જિલ્લાના પદાધિકારીશ્રીઓ, મહાનુભાવોએ રક્તદાન શિબિરમાં ભાગ લઇ સૌને પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.
આ વેળાએ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, જિલ્લામાં રક્તદાન બાબતે લોકજાગૃતિની જરૂર છે. વધુમાં વધુ લોકોએ રક્તદાન કરવું જોઇએ અને જરૂરીયાતમંદ વ્યક્તિની મદદ કરવી જોઇએ. જિલ્લામાં યોજાનારા રક્તદાન કેમ્પમાં લોકો સ્વૈચ્છિક રીતે જોડાય અને રક્તદાન કરે.
દાહોદ જિલ્લાની ઇન્ડિયન રેડક્રોસ શાખા, ડો. મોહસીનભાઇ એસ. લેનવાલા વોલન્ટરી બ્લડ બેન્ક અને જિલ્લા પંચાયત, દાહોદનાં સયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
૦૦૦