

જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ જેમાં દાહોદ જિલ્લાના કેદારેશ્વર મહાદેવ મંદિર અને ગુરૂ ગોવિંદ – કંબોઇ ધામને રૂ. ત્રણ – ત્રણ કરોડથી વિકસાવવાના આયોજનને અપાતો આખરી ઓપ.
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ અને જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જિલ્લામાં ચાલુ પ્રવાસન કામો, દરખાસ્ત કરવામાં આવેલા અને મંજુર પ્રવાસન કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં સીંગવડ ખાતે ૧૦ લાખના ખર્ચે ભમરેચી માતાના મંદિરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ઝાલોદ ખાતેના ધુધરદેવ મહાદેવ મંદિર, ફતેપુરા ખાતેના કાનગ્રા મહાદેવ મંદિર, દેવગઢ બારીઆ ખાતેના માનસરોવરની કામગીરીથી વિગતો આપવામાં આવી હતી. જિલ્લાના ૯ પ્રવાસન સ્થળોના વિકાસ માટે ૧૮૪૩ લાખ રૂ. ની દરખાસ્ત પ્રવાસન વિભાગને કરવામાં આવી છે જેમાં સાગટાળા ઇકો ટુરીઝમ અને પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર, બાબ ધોડાજદેવ સ્થાન, પાટાડુંગરી, માંડલી ખૂંટા પ્રવાસન ધામ, ઝાલોદ, રામનાથ મહાદેવ મંદિર, ગરબાડા, બાવકા શિવમંદિર, દાહોદ, ભમરેચી માતા મંદિર, રણધીકપુર, દાસા તળાવ ડેવલોપમેન્ટ, દુધિયા તળાવ ડેવલોપમેન્ટ, નળેશ્વર મહાદેવ મંદિર, ધાનપુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ૧૩ જેટલા નવીન પ્રવાસન કામોની દરખાસ્ત કરવામાં આવશે. મંજુર પ્રવાસન કામો પૈકી ૩ કરોડ રૂ. કેદારેશ્વર મહાદેવ મંદિર અને ૩ કરોડ રૂ. ગુરૂ ગોવિંદ સમાધિ સ્થળ, કંબોઇધામને ફાળવવામાં આવ્યા છે. આ પ્રવાસનધામોને વિકસાવવા માટે સવિસ્તાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. કંબોઇધામ અને કેદારેશ્વર મહાદેવ મંદિરના ઉપસ્થિત પ્રતિનિધિઓના પણ સૂચનો ધ્યાને લેવામાં આવ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય સર્વે રમેશભાઇ કટારા, વજેસિંહ પણદા, ચંદ્વિકાબેન બારીઆ, નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે સહિત પ્રવાસન સમિતિના સભ્યો, પ્રવાસનધામોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.