પીવાના પાણી સંબંધિત લોક ફરિયાદોને પ્રાધાન્ય આપી તાત્કાલિક નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરવા સુચના અપાઈ.
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ઉનાળા ઋતુને ધ્યાને રાખીને પીવાના પાણી માટેની આવેલ ફરિયાદોના નિરાકરણ માટે કલેકટર યોગેશ નિરગુડેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ હેઠળ પાણી સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી. આ દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડેએ કહ્યું હતું કે, હાલ દાહોદમાં ઉદ્ભવી રહેલ પીવાના પાણીની સમસ્યા અંગે લોકો દ્વારા આવેલ ફરિયાદોનું જલ્દી નિરાકરણ આવે તેમજ તેઓ સુધી તાત્કાલિકપણે પાણી પહોંચે તેવી વ્યવસ્થા થાય તે મુજબ કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. લોક પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તે માટે જરૂરી નિર્ણય લઈને કામગીરી હાથ ધરવા સુચના આપવામાં આવી હતી.
આ સાથે દાહોદ જિલ્લાના તાલુકા મુજબ પીવાના પાણી માટેની આવેલ ફરિયાદો તેમજ તે માટે હાથ ધરેલ કામગીરી, પેન્ડીંગ કામગીરી સહિત રોજ-બ-રોજ આવતી પાણીની ફરિયાદો વિશેની માહિતી સંબંધિત અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. જેમાં વન વિભાગ તરફથી પણ વન્ય જીવો માટે પીવાના પાણી માટે કરેલ કામગીરી ની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ મિટિંગ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, વાસ્મો યુનિટ મેનેજર સૌમિલ ભૈયા, અન્ય પાણી પુરવઠાના અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.