દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામ પાસે આવેલ
કારઠ ખાતે ગ્રામ સભા યોજાઇ, ગ્રામસભાઓ ગ્રામ વિકાસનું મજબૂત એકમ છે. ઝાલોદ તાલુકામાં બે દિવસમાં ૨૧ કરોડના રોડ-રસ્તાનું ખાતમુર્હૂત કરતાં કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિહ ભાભોર.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગ્રામ પંચાયત ખાતે રૂા.૧૯.૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક નવનિર્મિત ગ્રામ સચિવાલય ભવનનું લોકાર્પણ ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.
કારઠ ગામના નવનિર્મિત ગ્રામ સચિવાલય ભવનનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકાર છેવાડાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. ૨૧ મી સદીની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી સાથેના ભવનો નિર્માણ પામી રહયા છે. જેના થકી ઓનલાઇન ગામના લોકોની જરૂરિયાત મુજબ રેકર્ડ મેળવી શકાશે ગ્રામ સભાએ ગ્રામ વિકાસ માટેનું મજબૂત એકમ છે. જેમાં તમામ લોકો એક મંચ પર ભેગા થઇ ગામના વિકાસ માટે આયોજન કરે છે. કેન્દ્ર સરકારના ૧૪માં નાંણા પંચના નાંણા હવે ગ્રામ પંચાયતના ખાતામાં સીધા જમા થાય છે. જેમાંથી ગામના સામૂહિક વિકાસના કામો હાથ ધરી શકાય
ગ્રામ સભાને સંબોધતા કેન્દ્રીય રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે કોમ્યુનિટી હોલ બનાવવા માટે સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી રૂા. ૧૧/- લાખ ફાળવવાની જાહેરાત કરી હતી. ગામમાં રમત-ગમત મેદાન, વિજ થાંભલા હટાવવા, સોલાર લાઇટ, આંગણવાડીના નવિન મકાન, કૂવાનું સમારકામ વગેરે માટે સંબંધિત અમલીકરણ અધિકારી/પદાધિકારીઓને મંત્રીશ્રીએ કાર્યવાહી કરવા સૂચન કર્યા હતા. ઝાલોદ તાલુકામાં માત્ર બે દિવસમાં જુદા જુદા ગામોમાં રૂા. ૨૧ કરોડના રોડ રસ્તાના કામોનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. તેનો મંત્રીશ્રી ભાભોરે ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે માજી ધારા સભ્ય મહેશભાઇ ભુરીયાએ પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકાર છેવાડાના વિસ્તારો અને લોકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે વિકાસમાં સૈાને સહયોગી બનવા આહવાન કર્યું હતું. કારઠ ગ્રામ સભામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાથીજીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે સંચાલન તથા આભાર વિધિ ગામના યુવા અગ્રણી હર્ષદ નાયકે કરી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દિનેશ નિનામા, જીલ્લા પંચાયત આર.એન.બી.ના કાર્યપાલક ઇજનેર વસાવા, યોજના સહ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી કૈલાશબેન ભગોરા, મામલતદાર, ગામના સરપંચશ્રીમતી મેથલીબેન, અગ્રણી રામચંદ ઝાડ, અગ્રણી લલિતભાઇ હઠીલા, સુનિલ હઠીલા, મગનભાઇ જાટવા, નિરજભાઇ મેડા ગામના અગ્રણીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.
ત્યારબાદ મંત્રીશ્રીએ કારઠ ગ્રામ પંચાયત હસ્તકના કંબોઇ ખાતે આદિવાસીઓના ઉધ્ધારક એવા પૂ. ગોવિંદગુરૂના સમાધિ સ્થળ મંદિર અને પ્રખ્યાત પ્રવાસન ધામની મુલાકાત લઇ મહાઆરતી કરી હતી. તે સાથે પ્રધાન મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સાંસદશ્રીના ગામડાઓના વિકાસ માટે જે તે ગામમાં રાત્રિ રોકાણ કરવું. તે મુજબ કેન્દ્રીય મંત્રીશ્રી ભાભોરે રાત્રિ રોકાણ કરી ગ્રામજનો તથા સ્થાનિક અગ્રણીઓ જોડે ગ્રામ વિકાસ માટેના સૂચનો મેળવ્યા હતા.