KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદના ગામડી રોડ પર શુભમ ક્લિનિકના નામે ખાનગી પ્રેક્ટિસ કરી અને લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહેલા બોગસ તબીબને તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા છાપો મારી અને ઝડપી પાડવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસને તાલુકા આરોગ્ય દ્વારા કરવામાં આવતા પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝાલોદ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ડિગ્રી વિના ધીકતી પ્રેક્ટિસ કરનારા તબીબોની સંખ્યા વધતી જ જઈ રહી છે અને નિર્દોષ આદિવાસી પ્રજાના આરોગ્ય સાથે પણ રમત રમાઇ રહી છે ત્યારે ઝાલોદના ગામડી રોડ પર છેલ્લા ત્રણ માસથી શુભમ ક્લિનિકના નામે મોતની હાટડી ચલાવી રહેલા જયંતિભાઈ મગનભાઈ પ્રજાપતિના ત્યાં પોલીસ તથા તાલુકા આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા તા.૦૫/૦૩/૨૦૧૮ સોમવારના રોજ સવારના આશરે ૧૦:૦૦ વાગ્યાના સુમારે છાપો મારવામાં આવતા જયંતિભાઈ પ્રજાપતિ જાતે જ દર્દીઓની તપાસ કરતા હતા અને પોતે કોઇ ડિગ્રી ધરાવતા નથી તથા જશવંત શામજી પારગી નામના શખ્સની ડિગ્રી ઉપર પ્રેક્ટિસ કરવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આરોગ્યની ટીમ દ્વારા એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનો, ગોળીઓ, સીરપ મળી કુલ ૪૪ જેટલી આઈટમો તથા બોગસ તબીબ એવા જયંતિ પ્રજાપતિને ઝાલોદ પોલીસને હવાલે કર્યા હતા. જે સંદર્ભે પોલીસે આરોગ્ય સંબંધિત ગુનો નોંધી તેઓનાં વિરુદ્ધ કલમ ૩૦ (મેડીકલ પ્રેક્ટિસનર એક્ટ) અને ગામડાંની ભોળીભાળી પ્રજાની ખોટી સારવાર કરવા બદલ કલમ ૪૨૦ અંતર્ગત કાર્યવાહી કરી સળિયા પાછળ ધકેલવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે