- રાજ્યના અન્ય ૨૬ સ્થાનોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ સહભાગી થયા.
- છેલ્લા બે દાયકામાં આદિવાસી સમાજના વિકાસ માટે બજેટમાં ૨૬ ગણો માતબર વધારો કર્યો છે. -=મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ.
વિશ્વ આદિવાસી દિને રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૧૬૦૦ કરોડના ૫૬૯૦ જેટલા વિકાસકામોની દાહોદના ઝાલોદથી ભેટ ધરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં બે દાયકામાં રૂ. ૨૦૭૪૫ કરોડના વિકાસ કામો થકી આદિવાસીઓનું જીવન વધુ સરળ બનાવ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસના દ્વાર ખોલી આપ્યા
આદિવાસીઓના રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે અત્યાર સુધીમાં રૂ. એક લાખ કરોડનો ખર્ચ કરાયો છે.
વન અધિકાર અધિનિયમ હેઠળ ૯૯ હજાર દાવાઓ મંજૂર થયા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આદિવાસી ઓનો સામાજિક, આર્થિક વિકાસએ હંમેશા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે.
આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિવસની રાજય વ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતા રાજ્યના આદિજાતિ વિસ્તારો માટે રૂ. ૧૬૦૦ કરોડના ૫૬૯૦ જેટલા વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.
મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં ઝાલોદમાં વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઉજવણી સાથે રાજયના વિવિધ આદિજાતી વિસ્તારોમાં ૨૬ સ્થાનો પર એક સાથે થયેલી ઉજવણીમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત મંત્રી મંડળના સભ્યો સહભાગી થયા હતા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજનાને તેજ ગતિથી અમે આગળ વધારી રહ્યા છીએ એમ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું
છેલ્લા બે દાયકામાં રાજ્યના આદિવાસી સમાજના વિકાસ માટે બજેટમાં ૨૬ ગણો માતબર વધારો કર્યો છે. આદિવાસી ઓના રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે અત્યાર સુધીમાં રૂ. એક લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તેની ભૂમિકા તેમણે આપી હતી*.
મુખ્યમંત્રી એ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર છેલ્લા બે દાયકાથી સતત કર્તવ્યરત છે.
આ બે દાયકામાં રૂ. ૨૦૭૪૫ કરોડના વિકાસ કામો થકી આદિવાસીઓનું જીવન વધુ સરળ બનાવ્યું છે અને તેમને વિકાસના રાહ પર લાવ્યા છીએ.
આદિજાતિ વિભાગના બજેટમાં ક્રમશઃ જંગી વધારો કરીને વર્ષ ૨૦૨૧ ૨૨ માં રૂ. ૨૬૫૬.૪૦ કરોડની આદિજાતિ બાંધવો માટે જોગવાઇ કરી છે.
મુખ્યમંત્રીએ આદિજાતિ વિભાગના વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવા સાથે બિરસા મુંડા યુનિવર્સિટીના લોગોનું અનાવરણ અને તેજસ્વી છાત્રોનું બહુમાન પણ કર્યું હતું.
આદિવાસી વિસ્તારોમાં થયેલા જનકલ્યાણના કામોની ભૂમિકા આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી ગુજરાતમાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસના દ્વાર ખોલી આપ્યા છે. આદિવાસીઓના રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે અત્યાર સુધીમાં રૂ. એક લાખ કરોડનો ખર્ચ કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે, પેસા કાયદાનો સુદ્રઢ અમલ કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ૪ હજાર કરતા વધુ ગામોના ૯૦ લાખ આદિવાસીઓને વિશેષ અધિકારો આ સરકારે આપ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, શહેરોમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે ખાસ છાત્રાલયો, એકલવ્ય અને મોડેલ સ્કૂલ્સ, ગોધરામાં ગોવિંદ ગુરુ અને રાજપીપળામાં બિરસા મુંડા યુનિવર્સિટીનું નિર્માણ કરી આદિવાસી છાત્રો માટે શિક્ષણના નવા આયામો આપવામાં આવ્યા છે. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિને દેશવિદેશના પ્રવાસીઓ માણે તે માટે કેવડિયા ખાતે રૂ. ૧૩૦ કરોડના ખર્ચે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આદિવાસી જિલ્લાના ૧૧ લાખ એકર વિસ્તારને વિવિધ સિંચાઇ યોજનાનો લાભ આપી હરિયાળા બનાવવા સાથે આદિવાસી વિસ્તારના ૯૮ ટકા રેવન્યુ ગામોને પાકા રસ્તાથી જોડવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન એ આદિવાસી બંધુઓને વિકાસના વર્તમાન પ્રવાહો સાથે જોડી ટ્રાયબલ ડેવલપમેન્ટનું એક નવું મોડેલ દુનિયાને આપ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ભારતને અંગ્રેજ શાસન માંથી આઝાદ કરવામાં આદિવાસી બાંધવોનું બલિદાન અનન્ય રહ્યું છે. રાજ્ય સરકારે આદિવાસીઓના આ બલિદાનને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે. પાલ દઢવાવના શહીદોની યાદમાં વન અને ગોવિંદ ગુરુની સ્મૃતિમાં તેમના નામ સાથેની યુનિવર્સિટી ઉપરાંત રાજપીપલા ખાતે રૂ. ૩૪૧ કરોડના ખર્ચથી બિરસા મુંડા યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હર ઘર તિરંગા અભિયાનમાં સૌને જોડાવા કરેલા આહવાનમા તમામ આદિવાસી બંધુઓને જોડાવા માટે અનુરોધ કર્યો હતો
આદિજાતિ મંત્રી નરેશભાઇ પટેલે કહ્યું કે, આદિજાતિ બાંધવોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા પ્રયત્નોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વધુ બળ આપી રહ્યા છે. તેઓ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતા કરી જરૂરી બજેટનું પ્રાવધાન કરી આપે છે.
આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી હોવા પર ભાર મૂકતા ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં નવી નવી શિક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. મેડિકલ, ઇજનેરી કોલજો પણ આ વિસ્તારોમાં મળી રહી છે. આદિવાસી છાત્રોને ઘર બેઠા ઉચ્ચ શિક્ષણ મળી રહ્યું છે.
આદિવાસીના ગૌરવવંતા ઇતિહાસને યાદ કરતા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના આદિવાસી સમાજના વિકાસનો પાયો મુક્યો છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટેની નેમ વિવિધ વિકાસ કાર્યોની ભેટ થકી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ લીમડી પટ્ટીના ૪૫ ગામોના ૬૬ તળાવો ભરવા માટેની પણ મૌખિક સંમતિ આપી છે .
પ્રારંભમાં આદિજાતિ વિકાસ વિભાગના કમિશનર દિલીપ રાણાએ સૌનો આવકાર કર્યો હતો. અંતમાં કલેકટર ડો.હર્ષિત ગોસાવીએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ, પૂર્વ ધારાસભ્યો, અગ્રણી શંકરભાઈ અમલીયાર, પ્રભારી રાજેશભાઈ પાઠક, મહેશભાઈ ભુરીયા, બી.ડી.વાઘેલા, નરેન્દ્ર સોની,આદિજાતિ વિભાગના સચિવ ડો.મુરલી ક્રિષ્ના, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં આદિવાસી બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.