રાજ્યના મુખ્ય મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલ રાહબરી હેઠળ પ્રજાનાં પ્રશ્નોનો ઘરઆંગણે જ ત્વરિત નિકાલ થાય તે માટે લોકસંવાદ સેતુ કાર્યક્રમને રાજયકક્ષાથી છેક તાલુકા કક્ષા સુધી વિસ્તરવામાં આવ્યો છે. રાજય સરકારના પ્રજાલક્ષી અભિયાન અંતર્ગત લોક સંવાદ સેતુ કાર્યક્રમ દ્વારા લોકોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ થાય તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે. તેમ ઝાલોદ અને ફતેપુરા ખાતે યોજાયેલા તાલુકા લોક સંવાદ સેતુ કાર્યક્રમોમાં રાજય કક્ષાના, માર્ગ મકાન પાટનગર યોજના મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું. કે રાજયનાં જન સામાન્યના પ્રશ્નોના નિવારણ અંગે સ્થળ ઉપર જ સુચારૂ અને વ્યવહારુ ઉકેલ લાવવાના નૂતન અભિગમ સાથે લોક સંવાદ સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે ત્યારે લોકોના પ્રશ્નોનું સ્થળ પર અને સમય મર્યાદામાં નિરાકરણ થાય તો જ અરજદારને ન્યાય મળ્યો ગણાય અને તો જ રાજય સરકારનો હેતુ સિધ્ધ થયો ગણાય. પ્રજાને સ્પર્શતા પાણી, રસ્તા, ઘાસચારો જેવા પ્રશ્નોને સંવેદના સહ ગંભીરતા સાથે ઉકેલ લાવવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે પ્રશ્ન મળે કે તુર્તજ તેના નિરાકરણ માટે જિલ્લા પ્રશાસનના સંકલનમાં નિયમોની મર્યાદામાં રહી સતત ફોલોઅપ કરવો જોઇએ. તો જ અરજદારને સંતોષ થશે અને તેની જરૂરિયાત પૂર્ણ અનુરોધ કર્યો હતો.
જયદ્રથસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે આ જિલ્લામાં પીવાના પાણીને લગતા પ્રશ્નો વધુ છે ત્યારે લોકોની માંગ અનુસાર હેન્ડપંપ રીપેરીંગની ટીમો વધારીને કે જરૂરિયાત મુજબની સાધન સામગ્રી મેળવી નિરાકરણ લાવવું જોઇએ.વિજ જોડાણના લીધે બંધ પડેલી મીની પાણી પુરવઠા યોજના કે ભાણાસીમળ જેવી સમારકામ માંગતી પુરવઠા યોજનાઓને ઝડપથી પરિપૂર્ણ કરી લોકોની જરૂરિયાતને પૂરી પાડવા જણાવ્યું હતું. ઝાલોદ ખાતેના લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં ૨૩૦ પ્રશ્નો જ્યારે ફતેપુરા લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં ૩૦૭ પ્રશ્નો મળી કૂલ ૫૩૭ પ્રશ્નો માર્ગ અને મકાન, પંચાયત, પાણી પુરવઠા, સિંચાઇ, વન વિભાગ, ખેતી, મહેસૂલ, એસ.ટી. અને વિવિધ વિભાગોના રજુ થયા હતાં. જેમાં નિતી વિષયક પ્રશ્નોને બાદ કરતા મોટાભાગના પ્રશ્નોનો અધિકારીઓ સાથે પરામર્શ કરી હકારત્મક રીતે સ્થળ પર નિકાલ લાવવામાં આવ્યો હતો. અરજદારોએ પણ લોક સંવાદ સેતુ થકી પોતાના પ્રશ્નને યોગ્ય ન્યાય મળવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં ઝાલોદના ધારાસભ્ય ડો. મીતેષભાઇ ગરાસીયા, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઇ કટારા, જિલ્લા ભાજપાના પ્રમુખ શંકરભાઇ અમલીયાર, જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી સોનલ મિશ્રા, જિલ્લા કલેકટર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી સતીષ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નિનામા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ઉપાધ્યાય, પ્રાયોજના વહિવટદાર નિનામા, પ્રાંત અધિકારી જે. કે. જાદવ સહિત સંલગ્ન તાલુકા પંચાયત પ્રમુખો તથા જિલ્લા-તાલુકાના અધિકારીઓ / પદાધિકારીઓ અરજદારો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.