NILKANTH VASUKIYA – VIRAMGAM
ટીબી યુનિટ વિરમગામ તથા સાણંદ દ્વારા વિશ્વ ટીબી દિનની ઉજવણીના ભાગરૂપે વાસણા (ઇયાવા) ગામમાં જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી અને લોકોને ટીબીના રોગની ગંભીરતાથી માહીતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટીબી યુનીટ મેડીકલ ઓફિસર ડૉ.વી.આર.વાઘેલા, પ્રકાશભાઇ પટેલ, નીલેશ પરમાર, કમલેશ પટેલ, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા.
વિશ્વ ટીબી દિનની ઉજવણી નિમિત્તે વિશાળ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી : વિશ્વભરમાં ટીબીની સારવાર માટે ડોટ્સ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે
વિરમગામ ટીબી યુનીટ મેડીકલ ઓફિસર ડૉ.વી.આર.વાઘેલાએ જણાવ્યુ હતુ કે, બે અઠવાડીયા કરતા વધારે સમયની ખાંસી, સાંજે આવતો હળવો તાવ, કોઇ કારણ વગર સતત વજન ઘટવુ, ગળફામાં લોહી પડવુ, ભુખ ન લાગવી જેવા લક્ષણો જણાય તો આવી વ્યક્તીએ નજીકના સરકારી દવાખાનામાં જઇને ટીબીના નિદાન માટે ગળફાની તપાસ કરાવવી જોઇએ. વિશ્વભરમાં ટીબીની સારવાર માટે ડોટ્સ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ કરતા એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તિને ટીબી થવાની શક્યતાઓ છ થી આઠ ગણી વધી જાય છે. એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તિઓમાં પણ ટીબી રોગ સંપુર્ણ મટાડી શકાય છે.
વિરમગામ તાલુકાના ટીબી સુપરવાઇઝર પ્રકાશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ટીબીએ અતિ સુક્ષ્મ જીવાણુઓથી થતો ચેપી રોગ છે. સીધા દેખરેખ હેઠળની સારવાર નિયમિત લેવામાં આવે તે ટીબી ચોક્કસ મટી શકે છે. ટીબીની સારવાર કોઇ પણ સંજોગોમાં અધુરી ન છોડવી જોઇએ કારણ કે અધુરી અને અપુરતી ટીબીની સારવારથી હઠીલો ટીબી થવીની પુરેપુરી સંભાવનાઓ રહેલી છે. ટીબીના દર્દીના સંપર્કમાં રહેતા વ્યક્તિઓને ટીબી થવાની સંભાવનાઓ વધારે રહેલી છે. જો કોઇ છ વર્ષથી નાનુ બાળક ટીબીના દર્દીના સંપર્કમાં રહેતુ હોય તો નજીકના સરકારી દવાખાનામાં જઇને ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ અને બાળકને ટીબીનો ચેપ ન લાગે તે માટે આઇસોનિયાઝાઇડ પ્રોફાઇલેક્સીસ વજન પ્રમાણે છ મહિના સુધી આપવી જોઇએ.