NILKANTH VASUKIYA – VIRAMGAM
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. મહીલાઓની હિમોગ્લોબીન, બ્લડગૃપ, આરબીએસની તપાસ કરવામાં આવી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થીત મહિલાઓને મહિલા સશક્તિકરણ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને મહીલાઓની હિમોગ્લોબીન, બ્લડગૃપ, આરબીએસ ની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અર્બન હેલ્થ ઓફિસર ડો.હર્ષા સાહુ, ડો.મેઘા દેસાઇ,તાલુકા ફિહેસુ ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થીત રહ્યા હતા.
તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ગૌરીબેન મકવાણાએ જણાવ્યુ હતુ કે, ૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. મહિલા દિવસ એટલે મહિલાઓની સ્વતંત્રતાને ઊજવવાનો દિવસ છે, સ્ત્રીત્વને સન્માનવાનો દિવસ, બહેન-દીકરીઓને એમના અસ્તિત્વની મહત્તાનો અહેસાસ કરાવવાનો દિવસ. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ૮ માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઊજવવા પાછળનો મુખ્ય હેતુ સ્ત્રીઓને તેમનું મહત્વ સમજાવવાનો અને તેમનામાં જાગૃતિ લાવવાનો છે. આપણા શાસ્ત્રો પણ કહે છે, કે यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता: જ્યાં સ્ત્રીઓને દેવી સમાન ગણી તેમની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે.
વિરમગામ અર્બન હેલ્થ ઓફિસર ડો.હર્ષા સાહુએ જણાવ્યુ હતુ કે, આજની ભારતીય નારી સ્વતંત્ર છે, પોતાનું ધાર્યું કરનારી છે. આજની સ્ત્રીએ જે સ્વતંત્રતા હાંસલ કરી છે, એ માટે તે ખૂબ સંઘર્ષમાંથી પસાર થઇ છે. આઝાદ સ્ત્રીઓને સમાજ જલ્દીથી સ્વીકારી શકતો નથી. પણ હવે પરિસ્થિતિ બદલાઇ છે. એક સમયે અબળા મનાતી નારી હવે સબળા બની છે. દરેક ક્ષેત્રે આગળ રહે છે. આજની નારી કોઇનાથી નથી ડરતી. બધાં કહે છે, સ્ત્રી હવે પુરુષ સમોવડી થઇ છે. પણ પુરુષ સમોવડી કેમ ? સ્ત્રીને કોઇના સમોવડી થવાની જરૂર નથી, એ તો પોતે જ ખૂબ સક્ષમ છે. વિશ્વ મહિલા દિવસ તેની એ જ સક્ષમતાને બિરદાવવાનો દિવસ છે.