- પ્રાચીન સમયથી પાંચ વર્ષે એકવાર ધર્મીરાજ અને ઇન્દ્રરાજની થતી દશ દિવસીય પૂજા
- “હમારા સમાજની ખેતીની હાથે આખું વરહ હારું જાય એતરે હમું બદા ભેગા થાઈ દિવસ – રાત બાધા છોડવા ધરમીરાજા ને ઇંદરરાજાની પૂજા કરહીં સે” – આદિવાસી વડીલ
ગુજરાત રાજ્યની પૂર્વપટ્ટીએ આવેલ દાહોદ જિલ્લો મોટે ભાગે આદિવાસી વિસ્તાર ગણાય છે. અહીંના આદિવાસી ઓમાં પોતાના નોખા રીત -રિવાજ, સંસ્કૃતિ અને પહેરવેશમાં ઘણી વિશેષતા રહેલી છે. આજે પણ તેઓ પોતાના રિવાજો અને પ્રાચીન પરંપરાને વળગી રહ્યા છે. હા, એ પણ સાચું કે આગળના સમયે દાહોદનું મૂળ નામ દોહદ હતું, પરંતુ મધ્ય પ્રદેશની સરહદ જોડાયેલી હોવાથી તેમજ આ બન્ને રાજ્યોની સરહદનાં ગામડાઓ વચ્ચે રોટી – બેટી તેમજ વ્યવસાયિક વ્યવહાર હોવાથી અહીંની બોલી હિન્દી – ગુજરાતી મિક્સ થતાં તે દાહોદ બન્યું. અહીંની લોકબોલી પણ હિન્દી – ગુજરાતી મિક્સ છે. આજે પણ દાહોદના મોટાભાગના ગ્રામીણ લોકો દાહોદને દેહવોદ કહીને સંબોધે છે.
અણાસ અને પાનમ નદીની વચ્ચે આવેલા દાહોદની ઓળખ દૂધીમતી નદી, રતનમહાલ રીંછ અભ્યારણ્ય તેમજ હાર્દ સમા છાબ તળાવથી થાય છે. આમ, જોવા જઈએ તો આખુંયે દાહોદ અનેક વિવિધતાઓ, પરંપરાઓ, પ્રાચીનતા તેમજ ઇતિહાસથી ભરપૂર છે. આજે વાત કરવી છે દાહોદી આદિવાસીઓ થકી પાંચ વર્ષે કરાતી ધર્મીરાજ – ઇન્દ્રરાજની બાધા છોડવા થતી પૂજા – અર્ચનાની.
હા, અહીંની સંસ્કૃતિ તેમજ પ્રાચીન પરંપરા પ્રમાણે દર પાંચ વર્ષે ધર્મીરાજ અને ઇન્દ્રરાજને ખુશ કરવાના હેતુથી હોળીના તહેવાર પહેલાં પૂનમના દિવસથી દર પાંચ વર્ષે આદિવાસી વડીલો દ્વારા પોતાના સમાજના લોકોની સુખ – સમૃદ્ધિ વધે તેમજ ખેતી સારી થાય તે શુભ હેતુથી વર્ષોથી જવારા વાવીને એ વાડીની નવ દિવસ – રાત સુધી પૂજા – અર્ચના કરવામાં આવે છે. પૂજાના છેલ્લા દિવસે એટલે કે દશમા દિવસે એઓ બાધા છોડી એ જવારાની વાડીની પધરામણી કરીને એને વળાવી દેવામાં આવે છે. આ પૂજા એક ગામમાં નક્કી કરીને એ ગામની ભાગોળે કરવામાં આવે છે. મોટે ભાગે ત્યાં પુરુષવર્ગ જ હાજર રહે છે. ચારેબાજુથી ગામના વડીલો આવીને આ પૂજાના ભાગીદાર બની પોતાના ગામની સુખ – સમૃદ્ધિની કામના કરતાં બાધા છોડે છે.
“હમારા સમાજની ખેતીની હાથે આખું વરહ હારું જાય એતરે હમું બદા ભેગા થાઈ બાધા છોડવા દિવસ – રાત ધરમ રાજા ને ઇંદર રાજાની પૂજા કરહીં સે ” એમ દાહોદના આદિવાસી વડીલે એમની બોલીમાં જણાવ્યું હતું.
દાહોદના આદિવાસી ભાઈ – બહેનો મોટેભાગે ગુજરાતના ખૂણે – ખૂણે વ્યવસાય અને મજૂરી અર્થે ફેલાયેલા છે તેઓ ગમે તે જગ્યાએ હોય છતાં આવા હોળી – દિવાળી જેવા મોટા તહેવાર દરમ્યાન પોતાના વતનની વાટ પકડી લેતા હોય છે. આદિવાસી લોકોના આસ્થા – શ્રધ્ધા અને પરંપરાના સુભગ સમન્વય એવા આ હોળીના તહેવાર પહેલાં પૂનમના દિવસે થતી ધર્મીરાજા અને ઇન્દ્ર રાજાની બાધા છોડવા આ જવારા – વાડીની પૂજા દરમ્યાન આજુબાજુના લોકો મોટા – મોટા ઢોલ, નગારા, કુંડી અને થાળી જેવા વાજીંત્રો વગાડતા નાચતા જઈ એકઠા થાય છે. હાથમાં, તીર – કામઠાં, ધારિયા, ડંડા અને ગોફણ જેવા હથિયાર ધારણ કરીને કીકીયારી કરતા જઈને આ પૂજાની ઉજવણી કરે છે અને આમ આ ધર્મી રાજા અને ઇન્દ્ર રાજાની બાધા છોડવાની પૂજા સંપન્ન થતાં હોળી પર્વની સાચા અર્થમાં શરૂઆત થાય છે.
આમ, ખરેખર દાહોદી આદિવાસી પોતાની અનોખી રીતિ – નીતિ માટે દરેક તહેવારોની ઉજવણી માટે જાણીતા છે. અલગ – અલગ મેળાઓ અને એની વર્ષો જૂની પ્રથાઓને વણીને ચાલતો આ આદિવાસી સમાજ એની સંસ્કૃતિ તેમજ પરંપરામાં પરોવાયેલો છે.