તા.૨૭/૦૪/૨૦૨૦ ને સોમવારના રોજ ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગ ગામે ૩૦ વર્ષીય યુવકને ગડદાપાટુનો માર મારી તેમજ તેના ગુપ્ત ભાગે લાતો મારી ગળું દબાવી મોતને ઘાટ ઉતારવાના બનાવની સાહી હજુ સુકાઈ નથી ત્યારે ગત રોજ તા.૨૮/૦૪/૨૦૨૦ ને મંગળવાર રોજ ગરબાડા તાલુકાના ચંદલા ગામે બીજો એક હત્યાનો બનાવ બનવા પામેલ છે. ગરબાડા તાલુકાના ચંદલા ગામે ૩૪ વર્ષીય યુવકને ગડદાપાટુના માર મારી પેટમાં લાત મારી યુવકની હત્યા કરાતાં મૃતક યુવકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ જવા પામેલ છે. જ્યારે આ બનાવ બનતા ગરબાડા પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગત રોજ તા.૨૮/૦૪/૨૦૨૦ ને મંગળવારના બપોરના ૦૧:૩૦૦ વાગ્યાના સુમારે ચંદલા ગામે જામળા ફળીયા તળાવ ઉપર ચંદલા ગામના ૩૪ વર્ષીય હીમરાજભાઈ કટીયાભાઈ કટારા, તેમની પત્ની તથા છોકરા સાથે તળાવ ઉપર નાહવા માટે ગયા હતા. તે વખતે મિનાક્યાર ગામના દિતીયાભાઈ રૂપસીંગભાઈ મોહનીયા, પરેશભાઈ દિતીયાભાઈ મોહનીયા, હરેશભાઈ દિતીયાભાઈ મોહનીયા, ખુમાનભાઈ રૂપસીંગભાઈ મોહનીયા ત્યાં આવી હીમરાજમાઈ કટીયાભાઈ કટારાને કહેવા લાગેલ કે, તુ તળાવમા અમારા ઉછેર કરેલ માછલા કેમ મારે છે તેમ કહી આ ચારેય જણાએ ઉશ્કેરાઈ જઇ હીમરાજભાઈને ગડદાપાટુનો માર મારેલ અને પરેશભાઈ દિતીયાભાઈ મોહનીયાએ હિમરાજભાઈના પેટ ઉપર જોરથી લાત મારતા હિમરાજભાઈનું મોત નીપજાવી દીધેલ તે વખતે બૂમાબૂમ થતાં વિનુભાઈ કટીયાભાઈ કટારા તથા રતનભાઈ ત્યાં આવી જઈ છોડાવવા જતાં હરેશભાઈ દિતીયાભાઈ મોહનીયાએ વિનુભાઈનું ગળું પકડી તેમને પણ ગડદાપાટુનો માર મારતા રતનભાઈ છોડાવવા જતા પરેશભાઈ દિતીયાભાઈ મોહનીયાએ રતનભાઈને હાથ ઉપર લાકડી મારી ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ ઘટના સંદર્ભે મૃતક હીમરાજમાઈ કટીયાભાઈ કટારાના ભાઈ વિનુભાઈ કટીયાભાઈ કટારાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ગરબાડા તાલુકાનાં મિનાકયાર ગામના (૧) દિતીયાભાઈ રૂપસીંગભાઈ મોહનીયા (૨) પરેશભાઈ દિનીયાભાઈ મોહનીયા (૩) હરેશભાઈ દિતીયાભાઈ મોહનીયા (૪) ખુમાનભાઈ રૂપસીંગભાઈ મોહનીયા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને આ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.