હવે હું સાચા અર્થમાં ખેડૂત બન્યો છું. જો દરેક ખેડૂત વૃક્ષોની ખેતી અપનાવે તો આર્થિક તંગીમાંથી સરળતાથી બહાર નીકળી શકાય છે. – જાદવ બારીયા ખેડૂત
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાનકડા ગામ ગઢાના રહેવાસી એવા જાદવભાઈ બારીયા પહેલાં વિવિધ અનાજની ખેતી થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેમાંથી જોઈતો નફો ન મળતાં તેઓએ શહેરોમાં આર્થિક તંગીને પહોંચી વળવા માટે મજૂરી અર્થે સ્થળાંતર કરવું પડતું હતું. ત્યારબાદ જાદવભાઈને દાહોદના વન વિભાગ તરફથી માહિતી મળી કે સરકાર ખેડૂતો માટે યોજના દ્વારા મદદ કરી રહી છે, જેમાં ખેડૂતને કોઈપણ પ્રકારનો ખર્ચ કરવાનો હોતો નથી. ફકત વૃક્ષોનું વાવેતર કરીને એની સાચવણી કરીને નફો જ લેવાનો હોય છે.
જાદવભાઈએ પોતાની પડતર, પથરાળ અને શેઢાની જમીન પર ૨૦૧૭-૧૮ માં ૩૦૦૦ નીલગીરી, ૭૫૦ જેટલાં ખેરના વૃક્ષનું વાવેતર કર્યું. ત્યારબાદ ૨૦૧૮-૧૯ માં ૨૪૦૦ સાગ તેમજ ૨૦૨૧-૨૨ માં અન્ય ૧૦૦૦ સાગ લઈને કુલ ૭૧૫૦ જેટલા વૃક્ષોનું સાવચેતીપૂર્વક વાવેતર કર્યું હતું. જેમાંથી ફકત નીલગીરીના કટિંગમાંથી જ તેઓને ૨ વર્ષમાં ૬ લાખ જેટલી આવક થઇ હતી. આટલુ કરવા માટે તેઓને કોઈપણ પ્રકારનો ખર્ચ ઉઠાવવો પડ્યો નથી એમ જાદવભાઈ બારીયાએ જણાવ્યું હતું.
જો ઘરે બેઠા જ આપણે આટલી આવક મેળવી શકતા હોઈએ તો મજુર બનીને અન્ય જગ્યાએ કામ શોધવા જવાની કોઈપણ ખેડૂતને જરૂર નથી. સરકારની ખેડૂતલક્ષી આ યોજનાનો લાભ દરેક ખેડૂતે લેવો જોઈએ. હવે હું એક પ્રકારે મજુર ન રહેતા સાચા અર્થમાં ખેડૂત અને જમીન માલિક બની શક્યો છું. જેના માટે હું સરકાર તેમજ વન વિભાગનો આભારી છું એમ જાદવભાઈ બારીયાએ પોતાના અનુભવ રજૂ કરતાં વધુમાં કહ્યું હતું.