દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે આજે તા.૩૧/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ આદિવાસીઓનો અનેરો ગોળ ગધેડાનો મેળો આદિવાસી રીતરીવાજો ના અનેક રંગો સાથે હોળી પર્વ દરમિયાન યોજાતો જોવા મળે છે. જે મેળો આદિવાસી પરંપરાને ઉજાગર કરતો આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત ગોળ ગધેડાનો મેળો તો કૈક આગવું જ મહત્વ ધરાવે છે.
દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. માટે જ હોળી પર્વ આવતાની સાથે જ દાહોદ જીલ્લાની રોનક બદલાઈ જતી હોય છે. સમગ્ર દાહોદ જિલ્લો હોળીના રંગોમાં રંગાઈ જતો હોય છે, એટલે જ દાહોદ થી મજુરી અર્થે બહાર ગામ ગયેલા તમામ આદિવાસી ભાઈ બહેનો પોતાના પરિવાર સાથે હોળીનો તહેવાર ધામધૂમ થી ઉજવવા માટે માદરે વતન પરત ફરે છે, ત્યારે હોળી પર્વે આદિવાસીઓની અનેરી અનેક પરંપરાઓના દર્શન લોકોને કરવા મળે છે. જો કે હોળી પર્વ બાદ છઠના દિવસે દાહોદના જેસાવાડા ગામે અનેક માન્યતાઓ સાથે જોડાયેલો “ગોળ ગધેડા” નો મેળો ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહીત અન્ય લોકો મેળાનો આનંદ માણવા ઉમટી પડે છે.
આ મેળામાં આદિવાસી યુવતીઓ હાથમાં વાસની સોટી લઇ ને યુવકોને મારે છે અને ગામના મુખ્ય બજારની વચ્ચે સિમલના ઝાડનું થડ રોપવામાં આવે છે અને આ થડની ખાલ પહેલાથી ઉતારી લેવામાં આવે છે અને આ થડની ટોપ પર ગોળની પોટલી બાંધી દેવામાં આવે છે. સિમલના થડ ની ખાલ ઉતારી લેવાથી આ થડ લીસ્સું થઇ જાય છે. મેળો શરું થતા જ આ થડ ની ગોળ ગોળ ફરતા આદિવાસી યુવતીઓ હાથમાં વાસની સોટીઓ લઇને નાચે છે અને આદિવાસી લોક ગીતો ગાય છે અને મજાક મસ્તી કરતા કરતા અને સોટીઓ મારતા ગોળ ફરતી જાય છે જો કે આ વિધિમાં આશરે કલાક જેટલો સમય થડ ઊપર યુવકોને ચઢવામાં લાગે છે અને ઝાડ ઉપર ચઢવા માટે સફળતા મેળવવા યુવકોને પણ ભારે જહેમત ઉઠાવી અને સોટીઓ નો માર પણ ખાવો પડે છે. મહિલાઓ લીલીછમ સોટીઓ લઇ થડ ની ગોળ ગોળ ફરતી હોય ત્યારે જ યુવકે થડ પર જઈ ગોળની પોટલી ઉતારી ઉપર વિજય મેળવ્યો હતો. એવું કહેવાય છે કે જૂના જમાનામાં સિમળના થડ પર ચઢીને જે કોઈ યુવાન ગોળની પોટલી લઇ લે તેને પોતાની મનગમતી છોકરી સાથે લગન કરવા મળતા હતા. જો કે આજના યુગમાં હવે એ પ્રથા રહી નથી, પરંતુ આજે પણ યુવાનો જેવા આ ગોળ લેવા માટે ઉપર ચડે કે તરત જ યુવતીઓ તેમના પર સોટીઓનો મારો શરુ કરી દે છે. જેથી કેટલાય યુવકો નિષ્ફળ જાય છે.
પરંતુ આજે પણ આ “ગોળ ગધેડા” નો મેળો દાહોદ જીલ્લામાં નહિ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરેલ મેળો છે. જો કે આજે પણ એ જ જુના રીવાજો અને પરંપરાઓથી આ મેળો ભરાય છે, અને યુવતીઓ ગોળ લેવા ચઢતા યુવકો ઉપર સોટીઓનો મારો પણ ચલાવે છે અને એક પોતાની ઓળખ ઊભી કરવા યુવક આ ગોળ લેવા માટે માર ખાઈ ને આજે પણ પોતાની વર્ષો જૂની ચાલતી પરંપરાને જાળવી રાખે છે. આવા મોર્ડન યુગમાં જ્યાં માત્ર ભૌતિક સુખોની વાત છે ત્યારે આ શૈલીને જીવંત રાખવા માટે આ મેળો દર વર્ષે જેસાવાડા ગામના મુખ્ય ચોકમાં ભરાય છે. અને આજુબાજુના ગામના બધા આદિવાસી ભાઈ બહેનો આમાં ભાગ લઈ રંગે ચંગે ઉજવે આ મેળો ઉજવે છે.