THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં ગત રોજ તા.૧૬/૦૫/૨૦૨૨ ને સોમવારના રોજ એક પેટ્રોલ પંપ ઉપર ધોળે દિવસે લુંટની ઘટના બની હતી અને જેમાં લાખ્ખોની લુંટ કરી લુંટારૂઓ નાસી ગયાંની ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં આજે તા.૧૭/૦૫/૨૦૨૨ ને મંગળવારના રોજ એક્શનમાં આવેલ પોલીસે ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. આ લુંટમાં ચાર જેટલા ઈસમો સંડોવાયેલા છે જેમાં પેટ્રોલ પંપ પર ફરજ બજાવતો મેનેજર સહિત ચાર જેટલા ઈસમોએ આ લુંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે અને ઉઘરાણીના પૈસા ચુંકવવા આ લુંટને અંજામ આપ્યો હોવાનું આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે ચારેય ઈસમોની અટકાયત કરી તેઓની પાસેથી રોકડા રૂપીયા ૧૧,૦૮,૦૦૦/- રીકવર કર્યાં છે.
ગત રોજ દેવગઢ બારીયા નગરમાં આવેલ એસ્સાર પેટ્રોલ ઉપર ધોળે દિવસે લુંટને પગલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા દેવગઢ બારીયા પોલીસને જરૂરી સુચનો અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું જેમાં દેવગઢ બારીયા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં હતો જેમાં પ્રથમ પેટ્રોલ પંપ પર લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી જેમાં અલગ અલગ ગ્રાહકોની અવર જવર હતી ત્યાર બાદ પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે ફરજ બજાવતો આબીદ અસદબીન અરબ (રહે. કસ્બા, દેવગઢ બારીયા)ની ઓફિસની પણ તપાસ કરતાં અને સીસીટીવી ફુટેજ ચેક કર્યાં હતાં જેમાં પોલીસને કંઈક અજુગતુ લાગ્યું હતું અને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતાં કર્મચારીઓની પોલીસે પુછપરછ પણ કરી હતી. સમગ્ર મામલા બાદ પોલીસે પેટ્રોલ પંપના મેનેજર આબીદ અને આકાશભાઈ મુકેશભાઈ સંગાડા (રહે. ડાંગરીયા, દેવગઢ બારીયા)ની પોલીસે સઘન પુછપરછ કરતાં બંન્ને પુછપરછ દરમ્યાન ભાંગી પડ્યાં હતાં અને તેઓએ આ લુંટને અંજામ આપવા કાવતરૂં રચ્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું જેમાં ઉપરોક્ત બંન્ને ઈસમોના જણાવ્યાં અનુસાર, તેઓની સાથે બળવંતભાઈ સબુરભાઈ સંગાડા (રહે. ડાંગરીયા, દેવગઢ બારીયા) કામ કરતાં હતાં તે સમયે તેઓએ કલેક્શનના પૈસામાંથી ઓછા પૈસા આપ્યાં હતાં બાકીના નીકળતાં પૈસા તેઓએ ઉછીના લીધાં હતાં તે આપી દીધાં હતાં અને બાકી પૈસા વાપરી નાંખ્યાં હતાં અને પેટ્રોલ પંપના વાપરી નાંખેલ પૈસા આપવા માટે તેણે મેનેજરને વચ્ચે રાખી રોમી અગ્રવાલ પાસેથી રૂા. ૯,૦૦,૦૦૦ ઉછીના લીધાં હતાં જૈ પૈસાની બળવંતભાઈ પાસે ઉઘરાણી થતાં તેણે પોતાનું ખેતર વેચીને પૈસાની ભરપાઈ કરી દેશે તેમ જણાવ્યું હતું અને તે પછી પંદર દિવસથી નોકરી નોકરી ઉપર આવતો ન હોય અને હવે ઉછીના લીધેલા રૂપીયા હવે આપવા ક્યાંથી અને તેમ વિચારી મેનેજર મુંઝવણમાં મુકાયો હતો. આ દરમ્યાન શુક્ર – શનિવાર દરમ્યાન કલેક્શન થયેલ પૈસા ઉછીના લીધેલા હતાં અને વ્યક્તિને રૂા.૯,૦૦,૦૦૦ આપી દીધાં હતાં ત્યાર બાદ રવિવારના રોજ સાંજના સમયે પેટ્રોલ પંપનો મેનેજર આબીદ, આકાશ, સલમાન સાકીરભાઈ અરબ (રહે. રાણીવાવ ધર્મશાળાની પાછળ, દેવગઢ બારીયા) અને મૌહમદ ફૈજાન ઉર્ફે અરબાઝ શેખ નાઓએ મળી લુંટ કરવા સારૂં બે મોટરસાઈકલ લઈને આવી પેટ્રોલ પંપ ઉપર લુંટ કરવાનું કાવતરૂં રચી નાંખ્યું હતું. આમ, સમગ્ર મામલે પોલીસે આરોપીઓ પાસેથી રૂા. ૧૧,૦૮,૦૦૦ રોકડા કબજે કર્યાં હતાં.