THIS NEWS IS SPONSORED BY –– RAHUL HINDA
- DEIC – શારીરિક – માનસિક અવરોધોનો સામનો કરતા બાળકોને પ્રારંભિક તબક્કે જ નિદાન અને સારવારની સુવિધા.
- નાની વયથી જ બાળકો સામાન્ય બાળક જેવી ક્ષમતાઓ ન ધરાવતું હોય તો તુરત નિદાન કરાવવું જરૂરી.
દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ ઝાયડ્સ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેંટરનો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટરએ જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને આ સેન્ટર શરૂ થવાથી શારીરિક-માનસિક અવરોધોનો સામનો કરતા બાળકોને પ્રારંભિક તબક્કે જ નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઘણા બાળકો નાની વયથી જ સામાન્ય બાળકો જેવી ક્ષમતાઓ ધરાવતા નથી. તેમનું ઝડપથી નિદાન થઇ શકે અને સારવાર મળી શકે તે માટે આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. બાળકોની પાંચેય સેન્સીસ અન્ય બાળકો જેમ વિકસીત ન હોય તો આ બાબતની સારવાર કરાવવી જોઇએ. માવતરે બાળક જયારે નાની નાની બાબતો કરવામાં મુશ્કેલી અનુભવતું હોય તો તેને દોષ આપવાને બદલે આ બાબતનું ઝડપથી નિદાન કરાવવું જોઇએ એમ ઉમેર્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જણાવ્યું કે, દાહોદ આરોગ્ય ક્ષેત્રે મેડીકલ હબ બની ગયું છે. અહીં ઉત્તરોત્તર આરોગ્ય સેવાઓ વધુ બહેતર બની રહી છે. પ્રશાસન દ્વારા પણ નાગરિકોને તમામ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વેળાએ કલેક્ટર ના ધર્મપત્ની શ્રીમતી ગોસાવીએ જણાવ્યું કે, નાના ભૂલકાઓ શારીરિક માનસિક અવરોધો અનુભવી રહ્યાં હોય તો તેને ઝડપથી ઓળખીને તેનું નિદાન કરવું જોઇએ. આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવી જોઇએ કારણ કે ઉંમર વધવાની સાથે સારવાર વધુ સમય લે છે. આ બાબતે લોકજાગૃતિ પણ એટલી જ જરૂરી છે કે આવી સમસ્યાઓનો સામનો કરી રહેલા બાળકોને ઓળખીને તેમને સત્વરે સારવાર મળવી જોઇએ. અહીં શરૂ કરવામાં આવેલા સેન્ટરનો પ્રચાર કરીને અહીં મળી રહેલી સારવાર વિશે લોકોને માહિતગાર કરવા જોઇએ.
ચીફ ડિસ્ટ્રિક્ટ મેડીકલ ઓફિસર સંધ્યાબેન જોષીએ કલેક્ટર એ આ સેન્ટર શરૂ કરવા માટે કરેલા પ્રયાસોની વાત કરી હતી અને તેમના પ્રયાસોને પરિણામે આ સેન્ટર સત્વરે શરૂ થયું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ASP વિજયસિંહ ગુર્જર, ઝાયડસ મેડીકલ કોલેજના સંચાલક સહિતનો સ્ટાફ, ઉપસ્થિત રહ્યો હતો.