THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીનું ગુરુવારની પરોઢે કલેક્ટર કચેરીમાં સફાઇ કર્મ, જિલ્લા પંચાયત પ્રાંગણમાં સફાઇ. દીવાળે એ દિવાળી, અર્થાત દીપાવલી પર્વના સપરમા દિવસોમાં નૂતન વર્ષના વધામણા માટે સફાઇ કામગીરીનું પણ એટલું જ મહત્વ છે. એટલે જ દિવાળીના પર્વનો પ્રારંભ જે દિવસથી થાય છે, એ રમા પાંચમના દિવસે દાહોદ કલેક્ટર વિજય ખરાડીની આગેવાનીમાં આજે વ્યાપક સફાઇ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. છાપરી સ્થિત જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાં રાજ્ય સરકારના કર્મયોગીઓએ શ્રમદાન કરી સફાઇ કામગીરી કરી હતી.
કલેક્ટર વિજય ખરાડી તથા કર્મયોગીઓ જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં સફાઇ કામગીરી કરવા માટે પરોઢમાં પહોંચી ગયા હતા.જિલ્લા સેવા સદનના આગળ, પાછળ ઉપરાંત બન્ને બાજુ વાળીનેે ચોખ્ખીચટ કરી દેવામાં આવી હતી.કર્મયોગીઓએ ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું. તદ્દઉપરાંત, જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણની સફાઇ કામગીરી કરવા માટે પણ વિવિધ શાખાના અધિકારીઓ તથા કર્મયોગીઓ જોડાયા હતા. પ્રાંગણમાં સફાઇ કરી એકત્ર થયેલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી ખાતે નિયામક બલાતના નેતૃત્વમાં ત્યાંના વિવિધ શાખાધિકારી ઓ તથા કર્મયોગીઓ દ્વારા શ્રમદાન કરી સફાઇ કામગીરી કરવામાં આવી હતી.એ જ પ્રકારે, દાહોદ પ્રાંત કચેરીમાં તા.૨૫ના રોજ સવારે પ્રાંત અધિકારી તેજસ પરમાર અને કર્મચારીગણ દ્વારા કચેરી, પ્રાંગણ સફાઇ કામગીરી હાથ ધરવામાં આવશે.