દાહોદ નગર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસ મળવાના પગલે નિયત કરવામાં આવેલા કન્ટેઇનમેન્ટ એરિયામાંથી કોઇ પણ વ્યક્તિએ બહાર નીકળવા કે બહારના કોઇ પણ વ્યક્તિના એ વિસ્તાર પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આ માટે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામા બહાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આમ છતાં, દાહોદમાં કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં અવરજવર શરૂ રહેતી હોવાનું જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને આવ્યું છે અને તેના કારણે તંત્ર દ્વારા સ્પષ્ટ દિશાનિર્દેશ આપવામાં આવ્યો છે કે, કોઇ વ્યક્તિ કન્ટેઇન્ટમેન્ટ એરિયામાં અવરજવર કરશે, તેની સાથે સખત પગલાં લેવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોરાના વાયરસને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇન્સ મુજબ કોરોના વાયરસના દર્દીના નિવાસના આસપાસના વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવે છે. આવા નિયંત્રિત વિસ્તારમાંથી બહાર નીકળતી વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિ ઉપર કોરોના વાયરસનું જોખમ વધારે છે. તેના કારણે સંક્રમણ વધુ પ્રસરવાની શક્યતા રહેલી છે. એ જ પ્રકારે બહારની વ્યક્તિ કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાય ત્યારે તે પણ કોરોનાથી સંક્રમિત થવાની પૂર્ણ શક્યતા છે. ત્યારે, દાહોદમાં કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારોમાં અવરજવર થતું હોવાનું ધ્યાને આવ્યું છે. તેની સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં અવરજવર કરતી વ્યક્તિ સાથે એપેડેમિક ડિસીઝ એક્ટ સહિતની કલમો અંતર્ગત સખત કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ કાયદાના ભંગ બદલ જેલની સજાનું પણ પ્રાવધાન છે.