THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
અનિયંત્રિત રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતું અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ
ડીજે વગાડવા માટે સાત દિવસ પૂર્વે મામલતદાર કચેરીએથી મંજૂરી લેવી પડશે, મંજૂરી વિના વાગતા ડીજે જપ્ત થશે
દાહોદ નગર અને જિલ્લામાં મનફાવે એ રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતા અને વારેવારે ટ્રાફિક જામનું કારણ બનતા ડીજે સાઉન્ડ સિસ્ટમને નિયંત્રિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટે એક સ્તુત્ય પગલું ભર્યું છે અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરી ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત કરી છે. ઉક્ત નિર્ણયની પત્રકારોને માહિતી આપતા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(થ) મુજબ મળેલી સત્તાથી ડીજે સિસ્ટમને નિયંત્રિત કરવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાના આમુખમાં જણાવવામાં આવ્યું છે કે, ડીજે સાઉન્ડ વગાડનારા લાંબા સમય સુધી રસ્તાઓ ઉપર ઉભા રહી ટ્રાફિક જામ કરે છે. નિયત માત્રા કરતા વધુ પ્રમાણમાં સાઉન્ડ વગાડી અવાજનું પ્રદૂષણ કરે છે. તેના કારણે છાત્રોને અભ્યાસમાં ખલેલ પહોંચે છે. દર્દી તથા સિનિયર સિટીઝન્સને પરેશાની ઉભી થાય છે. ડીજેના કારણે સાંપ્રદાયિક અથડામણો થવાના પણ બનાવ બન્યા છે. તેથી ડીજે સાઉન્ડ સિસ્ટમને નિયંત્રિત કરવાનું ઉચિત જણાય છે.
વળી, સુપ્રિમ કોર્ટના વિવિધ ચૂકાદાઓ અને સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી ધ્વની માત્રાઓ કરતાથી પણ વધુ અવાજની ડીજે વગાડવામાં આવે છે. જેમાં ઔદ્યોગિક વિસ્તારમાં દિવસે ૭૫ અને રાતે ૭૦, વેપારી વિસ્તારોમાં દિવસે ૬૫ અને રાતે ૫૫, રહેણાંક વિસ્તારોમાં દિવસે ૫૫ તથા રાતે ૪૫, સાયલન્સ ઝોનમાં દિવસે ૫૦ તથા રાતે ૪૦ ડેસિબલ અવાજની માત્રા નિયત કરવામાં આવી છે. એ મુજબ ન વગાડનારા સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરવામાં આવશે. સાથે, તેના માલિક, ભાગીદાર, સંચાલક, વ્યવસ્થાપકની જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ જાહેરનામાથી કલેક્ટરે આદેશ કર્યો છે કે, ડીજે સાઉન્ડના માલિકોએ તેની નોંધણી નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવાની રહેશે અને તેને વગાડવા માટે સાત દિવસ અગાઉ મામલતદાર કચેરીમાંથી મંજૂરી મેળવવાની રહેશે. પરવાનગી મેળવ્યા બાદ તેની શરતોના ભંગ બદલ પરવાનો લેનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. રાતે ૧૦ વાગ્યા પછીથી સવારના ૧૦ વાગ્યા સુધીમાં સમયમાં અવાજનું પ્રદૂષણ ફેલાવવા પર પ્રતિબંધ છે. સરકારે નિયત કરેલા દિવસો માટે તેમાં છૂટછાટ મળશે.
વધુમાં દાહોદ જિલ્લા કલેક્ટર એ જણાવ્યું છે કે, અનિયંત્રિત રીતે અને અનાધિકૃત વાગતા ડીજે વગાડતા સંચાલકો સામે કાર્યવાહી કરવાની પોલીસ કોન્સ્ટેબલ સુધીના પોલીસકર્મીઓને સત્તા આપવામાં આવી છે. પોલસને અવાજનું પ્રદૂષણ તપાસવાનું સાધન ખરીદવા જણાવવામાં આવ્યું છે.