દાહોદ શહેરમાં દબાણ દૂર કરતા હજારો પરિવારો બેરોજગાર , બેન્કોના હપ્તા કેવી રીતે ભરસે વેપારીઓ ? જનતાનો તંત્ર સામે સીધો સવાલ
દાહોદ શહેરને સ્માર્ટ સિટી તરીકે જાહેર કર્યું તે શહેરીજનો માટે ખુશી અને ગર્વની વાત છે પણ આજે દાહોદ શહેરનું એક પણ ઘર કે વ્યક્તિ એવી નહી હોય જેને આ દુકાનદારોની દુકાનો તૂટવાનું દુઃખ નહિ હોય. લોકોના મોઢામાં એક જ શબ્દ હતો આ તે કેવો ભૂકંપ ? સમગ્ર નજારો કચ્છ કે યુક્રેન જેવો લાગી રહ્યો છે.
સ્માર્ટ સિટી બનાવવા માટે દાહોદ શહેરના તમામ મુખ્ય માર્ગો જે દુકાનો આવેલી હતી જે વરસોથી તે દુકાનોમાં વેપાર કરતા હતા અને સ્માર્ટ સિટી ડેવલપ કરવા માટે તે દુકાનો દબાણના નામે દૂર કરી દેવાઈ. શું આ દુકાનો દૂર કરતા પહેલા તંત્રના ધ્યાને આ વાત ન હતી કે આ દુકાનદારો જે રોજ કમાઈ ને રોજ ખાનારો વર્ગ છે તેમની શું પરિસ્થિતિ થશે ? તેમના ધંધા રોજગારનું ચક્ર અટકી જશે તો બેંકોમાં હપતા ક્યાંથી ભરશે? અને આ વાત ખોટી નથી. તેને સમર્થન મળે તેવી જાહેરાત “શ્રી રામ કો-ઓપરેટીવ બેંક” ના ચેરમેન ભરતસિંહ સોલંકીએ કરી હતી કે જે વેપારીઓની દુકાન તૂટી છે અને જેમને “શ્રી રામ બેંક” માંથી લોન લીધી છે, તેઓને ત્રણ માસ સુધી હાલ હપ્તા ભરવામાંથી રાહત આપવામાં આવે છે. જો બેંક રાહત આપતી હોય તો સમજવું કે દુકાનદારોની આર્થિક સ્થિતિ કેવી થઈ પડશે ? રોજગાર અચાનક છીનવાઈ જતા વેપારીઓના પરિવારો રઝળી પડે તેવી સ્થિતિમાં દરેક દુકાનદાર સાથે સરેરાશ 5 થી 7 કર્મચારીઓને રોજી મળતી હતી અને વેપારીઓ જે જથ્થા બંધ વેપારી પાસેથી માલ લાવતા હતા, તેને પણ આ વેપારીઓથી રોજી ચાલતી હતી આ આખી સાંકળ અચાનક ઠપ થઈ જતાં વેપારીઓ આગળ કૂવોને પાછળ ખાઈ જેવી સ્થિતિમાં આવી ગયા છે.
એક બાજુ મોંઘવારી બીજી બાજુ બેરોજગારી અને ત્રીજું પડતા ઉપર પાટુ દુકાનોના ભાડામાં ધરખમ વધારો ત્રણ હજાર ભાડા વાળી દુકાનનું ભાડું ત્રીસ હજાર થઈ ગયું છે. તો હવે તંત્રે એ વિચાર કરવો જોઈએ કે વેપારીને બમણી નહિ પણ ત્રણ ગણી માર વેઠવી પડી રહી છે. બેરોજગાર થયેલ વેપારીઓ અને તેમના પરિવાર અશ્રુભીની આંખે માત્ર હવે એક જ આશા ઉપર બેઠા છે, કે તંત્ર વહેલામાં વહેલી તકે તેઓને કોઈક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપે, જેથી લોકોની પાટા ઉપરથી અચાનક ઉતરી ગયેલી ગાડી પાછી લાઈન ઉપર ચઢે શકે.