KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં આજ રોજ પરંપરાગત રીતે હોળિકા દહન કરવામાં આવ્યું. ફાગણ સુદ પૂનમના દિવસે લોકો સવારથી જ છાણમાંથી બનાવેલ બલબેલિયા હોળીમાં ચઢાવે છે અને હોળીની શ્રધ્ધાથી પૂજા અર્ચના કરે છે. દાહોદ શહેરમાં વર્ષોથી એવી પણ પરંપરા રહી છે કે દર વર્ષે શહેરનાં અલગ અલગ સમાજનાં અગ્રણી દ્વારા ઢોલ નગારા સાથે મુખ્ય હોળી જ્યાં પ્રગટાવવામાં આવે છે ત્યાં પોતાના સમાજનાં આગેવાનો સાથે આવે છે. આ વર્ષે ડબગર સમાજનાં અગ્રણી જયંતિભાઈ કાલિદાસ દેવડાએ મુખ્ય હોળીની પૂજા કરી હોળી પ્રગટાવી હતી અને ત્યાર બાદ દરેક ફળિયા, પોળ, સોસાયટીમાં જ્યાં હોળી દહન કરવામાં આવે છે તે દરેક ફળિયા, પોળ, સોસાયટીમાં મુખ્ય હોળીમાંથી મશાલ દ્વારા આંચ લઈ પોતાના ફળિયા, પોળ, સોસાયટીની હોળી પ્રગટાવે છે આ પરંપરા વર્ષોથી આજ દિન સુધી અખંડ રહી છે.
લોકો હોળીમાં આખી રાત ઢોલ, નગારાં, ડફલી વગાડી ફાગણના ગીતો ગાય છે જેને ફગવો ગાવાનું પણ કહેવામાં આવે છે. દાહોદ શહેરમાં મુખ્ય હોળી મેઈન બજારમાં પ્રગટાવવામાં આવે છે. ત્યાર બાદ એમ. જી. રોડ, કડિયાવાડ, ગુજરાતીવાડ, દેસાઈવાડ, ગોધરા રોડ, ગોવિંદનગર, સીંધી સોસાયટી, ગોકુલ સોસાયટી, પડાવ, બહારપુરા, દરજી સોસાયટી, સ્ટેશન રોડ જેવા અનેક સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવે છે.