- આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતને આદિવાસી સમાજના વિકાસના સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે- ગુજરાત બાળ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબહેન ગજ્જર
- ભગવાન બિરસા મુંડાએ આઝાદી માટે લડત ચલાવી પ્રકૃતિના પૂજક અને જળ, જમીન અને જંગલના રખેવાળ એવા આદિજાતિઓ માટે પોતાના પ્રાણની આહુતિ આપી
- આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે. – ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી
દાહોદ જિલ્લામાં આદિજાતિ મ્યુઝિયમ, દાહોદ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. દેશી ઢોલ, નગારા અને શરણાઈના સૂરો સાથે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરએ આ પ્રસંગે સૌને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, સરકાર આદિજાતિઓ માટે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે એ માટે સતત પ્રયત્ન કરી રહી છે. આઝાદી માટે લડત ચલાવી પ્રકૃતિના પૂજક અને જળ, જમીન અને જંગલના રખેવાળ એવા આદિજાતિઓ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતને આદિવાસી સમાજના વિકાસના સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર આદિજાતિઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ થકી આદિજાતિઓને સહાય કરવા માટે કટીબદ્ધ બની છે. તેમણે સરકાર દ્વારા નિર્ધારિત બાળકોના અધિકારો, કાયદાઓ અને બાળ ઘડતર વિશે જણાવતા કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના જીવન મૂલ્યોનું જતન કરતા અને આદિજાતિ સંસ્કૃતિ વારસાને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઈપણ તહેવાર ઉજવવા પાછળ કોઈ ચોક્કસ કારણ સાથે મૂલ્યો સચવાયેલા હોય છે. વન અને ગીરિકંદરાઓમાં વસતા આદિવાસીઓનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અનોખું યોગદાન રહ્યું છે.સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિજાતિના અનેક સપૂતોની ત્યાગ, સમર્પણ અને બલિદાનની યશ ગાથાઓ આજે આપણને પ્રેરણા આપે છે.
આ દરમ્યાન દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ૩ શુભ દિવસની ઉજવણી સાથે થઇ રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન તેમજ આદિજાતિઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ. ૨૫ વર્ષ ની ઉંમરે જળ, જમીન અને જંગલ માટે લડત ચલાવી શહીદી વહોરનાર બિરસા મુંડા એ આદિજાતિની કુખે જન્મ લઇ આદિજાતિઓની સાથે અન્ય સમાજ માટે પણ લડત ચલાવી હતી. જેની નોંધ લઈને આપણી સરકારે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે. આજની સરકારે આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે.
વધુમાં એમણે ઉમેર્યું હતું કે, સરકારે આદિવાસી બાંધવો માટે વનબંધુ કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે. આજે હરખનો દિવસ છે એવી લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રવર્તમાન સરકારે આદિવાસીઓને મુખ્ય ધારામાં જોડવાનું કાર્ય કર્યું છે. આજનો દિવસ આદિવાસીઓનું રક્ષણ અને અધિકારો સુનિશ્ચિત કરવાનો દિવસ છે.
ભગવાન બિરસા મુંડાની ઉજવણી પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો તેમજ શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. અંતે સૌ મહાનુભાવો એ ટ્રાયબલ મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી.આ ઉજવણી કાર્યક્રમ દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડે, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે, નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રધ્ધા ભડંગ સહિત અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને મહાનુભાવો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.