DESK DAHOD
દાહોદ જીલ્લામાં મહિલા સશક્તિકરણ હેઠળ મહિલા પખવાડિયાની ઉજવણી જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કરવામાં આવી રહી છે. આજે ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત દાહોદ જનરલ મેનેજર, જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્રારા મહિલાઓને એકમની સ્થળ મુલાકાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તદ્દનુસાર દાહોદ ઝાલોદ રોડ, મેં. જમનાદાસ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત જિલ્લાની મહિલાઓને કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે જનરલ મેનેજર અને નાયબ ઉધોગ કમિશનરશ્રી બી.એમ.હિંગુએ પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ગતિશીલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મહિલા સશક્તિકરણ માટે અનેક વિધ અભિયાનો હાથ ધર્યા છે. જેના થકી આજે મહિલાઓ સ્વરોજગારી માટે તમામ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવી રહી છે. રાજનીતિ અને પોલિસ, કંડક્ટર જેવી પડકારરૂપ સરકારી નોકરીઓમાં ઉત્સાહભેર ભરતી થઇ રહી છે. ત્યારે ગ્રામિણ ક્ષેત્રની મહિલાઓ પણ જાગૃત થઇ સ્વરોજગારી મેળવી આગળ આવે તેવો સંદેશો પહોંચાડવા શ્રી હિંગુએ વિનંતી કરતાં ઉઘોગ કેન્દ્ર દૃવારા અપાતી સ્વરોજગારી માટેની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
જિલ્લા રોજગાર અધિકારી શ્રી આર.એન.પટેલે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યુ હતુંકે મહિલાઓએ તમામ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવી પુરુષ સમોવડી થઇ રહી છે. ત્યારે ગ્રામીણ ક્ષેત્રની બહેનો પણ જાગૃત થઇ પોતાના ધંધા વ્યવસાય સાથે અન્ય સ્વરોજગારી માટેના ધંધામાં ઝંપલાવી આર્થિક રીતે સધ્ધર થઇ શકે છે. રોજગાર કચેરી દ્રારા શિક્ષિત બેરોજગારની ઇ.નોંધણી, સ્વરોજગાર શિબિરો અને ભરતી મેળાઓ યોજવામાં આવે છે તેની જાણકારી શ્રી પટેલે આપી હતી. મિશન મંગલમના કો.ઓ.શ્રી.એ મિશન મંગલમ યોજના વિશે જાણકારી આપી હતી.
આ પ્રસંગે મેં. જમનાદાસ ઇન્ડસ્ટ્રીઝ, દાહોદના યુવા મેનેજરશ્રી પાર્થ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થતું ઉત્પાદન દેશના ૮૨ સ્થળો સહિત મલેશિયા,રશીયા જેવા પાંચ દેશોમાં જાય છે. ઇન્ડસ્ટ્રીઝમાં ૧૫૦ જેટલા શ્રમિકો સ્થાનિક છે. જેનો મુળભૂત ઉદ્દેશ રાજય સરકારના સૂચનો મુજબ સ્થાનિકોને પ્રથમ રોજગારી આપવાનો છે. શ્રી.પાર્થે એકમના મુખ્ય ભાગોની મુલાકાત મહિલાઓ સહિત ટીમને અપાવી ઉત્પાદનની પ્રોસેસની જાણકારી આપી હતી. સ્વાગત પ્રવચન, સંચાલન અને આભાર વિધિ જિલ્લા ઉધોગ કેન્દ્રના આંકડા મદદનીશશ્રી કે.એલ.સંગાડાએ કરી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા ઉધોગ કેન્દ્રના એચ.યુ. ચૌહાણ, મિશન મંગલમ જિલ્લા કન્સલન્ટ શ્રીમતિ મીનાબેન નલવાયા, ઉધોગ કેન્દ્ર અને રોજગાર કચેરીના કર્મચારીઓ, ઇન્ડસ્ટ્રીઝના શ્રમિકો વગેરે ઉપસ્થિત રહયા હતા.