રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ કલા મહાકુંભ થકી લુપ્ત થતી આપણી આગવી સંસ્કૃતિને જાળવવા સાથે ગરીબ આદિવાસી બાળકોને શક્તિઓને બહાર લાવવાનું મંચ મળી રહેશે. : દાહોદ નગર સેવા સદન પ્રમુખ અભિષેક મેડા
ગુજરાત, ગાંધીનગર રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા કક્ષાનો ત્રિદિવસીય કલા મહાકુંભ નગર સેવા સદનના નવનિયુક્ત પ્રમુખ અભિષેક મેડાના અધ્યક્ષસ્થાને નગર સેવા સદનના પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદ નગર, દાહોદ ખાતે યોજાયો હતો.
જિલ્લા કક્ષાના કલા મહાકુંભને દિપપ્રાગટ્ય સાથે ખુલ્લો મુકતા અને ભાગ લેતા બાળકોને પ્રોત્સાહિત કરતાં અધ્યક્ષ સ્થાનેથી અભિષેક મેડાએ જણાવ્યું હતું કે રાજ્યના તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સો ટકા શિક્ષણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના અવનવા શૈક્ષણિક કાર્યક્રમો / અભિયાનો અમલિત કર્યા હતા. તેના પરિણામ સ્વરૂપ આજે શિક્ષણમાં વધારા સાથે ગુણવત્તા સાથેનું શિક્ષણ શાળાઓમાં આવ્યું છે. એથીયે આગળ વધીને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, વાંચે ગુજરાત, પતંગ મહોત્સવ, કાંકરીયા કાર્નિવલ, વિશેષ નવરાત્રી મહોત્સવ જેવા કાર્યક્રમો પણ અમલિત કર્યા. જેના લીધે આજે છેવાડાના વિસ્તારોમાં ગરીબ આદિવાસી પછાત બાળકોને પોતાની શક્તિઓને ખીલવવાનું મંચ મળ્યું. રાજ્ય સરકારે પણ આ અભિયાનોને વધુને વધુ વેગવંતા બનાવવા આહ્વાન કર્યું છે. ત્યારે શિક્ષકો, વાલીઓ અને આગેવાનો બાળકો, વિધાર્થીઓને પ્રોત્સાહિત કરશે તો રાજ્ય સરકારનો મૂળભૂત હેતુ સાર્થક થશે તેમ જણાવતાં જિલ્લાના વિકાસ અને નગરપાલિકાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવતાં અભિષેક મેડાએ દાહોદ નગરના વિકાસ માટે ધરેલ પ્રયાસોની રૂપરેખા આપી હતી.
જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરીએ સ્વાગત પ્રવચન, આભાર દર્શન સાથે કલા મહાકુંભના ઉદેશની સમજ આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દેશની આગવી સંસ્કૃત્તિની ધરોહરને જાળવી રાખવા સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ પૈકી સુગમ સંગીત, સમૂહ ગીત, એકપાત્રિય અભિનય, સમૂહ લગ્નગીતો / ફટાણા, નૃત્ય કલા, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, વાંસળી, તબલા વાદન, હળવું હાર્મોનિયમ, ઓરગન, સ્કુલ બેન્ડ, ગીટાર, વાયોલીન, પખાવજ, સિતાર, મૃદંગમ, સરોદ, સારંગી, ભરત નાટ્યમ, કથ્થક, ગરબા, લોકનૃત્ય / સમૂહ નૃત્ય, રાસ મણિપુરી, કુચીપુડી, લુપ્ત થતા આદિવાસી ગીતો, નૃત્યો, લોકગીતોને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. આ કલા મહાકુંભ દ્વારા શક્તિઓને બહાર લાવવા તાલુકા કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં નવ તાલુકાના ૮૦૦૦ થી વધુ બાળકો/વિધાર્થીઓએ જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તાલુકાની સ્પર્ધાઓમાં વિજેતા થયેલા ૧૫૦૦ જેટલા બાળકો/વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાની કલાને બેધડક મંચ ઉપર રજૂ કરી કલા મહાકુંભને સાર્થક કરી રહ્યા છે. ત્યારે હજુપણ શિક્ષકો / વાલીઓ બાળકોને પ્રોત્સાહિત કરે તેવી DSO વિરલ ચૌધરીએ અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ નિલકંઠ ઠક્કર, સંગીત કલા પ્રેમી કપિલ ત્રિવેદી, નિરિક્ષકો, શિક્ષકો, સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળકો / વિધાર્થી સ્પર્ધકો, પ્રેક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.