NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ, મુવાલીયા ફાર્મ, આણંદ કૃષિ યુનિવર્સિંટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયત વિભાગ, આત્મા પ્રોજેક્ટ તથા ખેતી વાડી વિભાગ, દાહોદના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય બાગાયત પાક ખેડૂત સંમેલન એવમ્ પ્રદર્શન દાહોદ લોક સભા મત વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. સંમેલનનું ઉદ્ઘાટન રાજયના વન –પર્યાવરણ અને મત્સ્યોધોગ રાજય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે મુવાલીયા ફાર્મ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે અગ્રેસર છે. દાહોદના ફુલો શાકભાજી અને દેવગઢબારીયાના કેપ્સીકમ મરચાં દિલ્હી, મુંબઇ, અમદાવાદ જેવા શહેરોમાં નિકાસ થાય છે.
વન –પર્યાવરણ – મત્સ્યોધોગ રાજય મંત્રી બચુભાઇ ખાબડ
આ પ્રસંગે રાજયના વન – પર્યાવરણ અને મત્સ્યોધોગ રાજય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતુ કે તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અને રાજયના હાલના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના માર્ગદશર્ન હેઠળ રાજયમાં કૃષિ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યું છે. ખેડૂતોના ઉત્કર્ષ માટે કૃષિ મહોત્સવો, કૃષિ પ્રદર્શનો, નિષ્ણાતો દ્વારા તાલીમ-માર્ગદર્શન ખૂબજ ફાયદાકારક સાબીત થયા છે. આજે કૃષિક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર છે. છેલ્લા પંદર વર્ષમાં રાજય સરકાર દ્વારા બાગાયતની વિવિધ યોજના હેઠળ ૭૯૨૧૨ ખેડૂતોને રૂા. ૨૦ કરોડ જેટલી માતબર રકમની સાધન સહાય ચૂકવી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા છે. જેના થકી ખેડૂતો શાકભાજી, ફળ, મશાલા અને ફુલોની ખેતી અપનાવી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે. દાહોદ તાલુકાના રોઝમના ફુલો, દેવગઢબારીયાના કેપ્સીકમ મરચાં ગરબાડા તાલુકાના શાકભાજી – કેરી અને ખરેડી જેવા ગામોની શાકભાજી આજે દિલ્હી, મુંબઇ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં નિકાસ થઇ રહી છે. ખેડૂતોમાં જાગૃતતા આવી છે. ખેડૂત સંમેલનનો મુખ્ય હેતુ અન્ય ખેડૂતોને માર્ગદર્શન મળી રહે અને તેઓ બાગાયતી ખેતી અપનાવી આર્થિક રીતે સધ્ધર થાય તેવો સરકારનો મૂળભૂત ઉદેશ છે. દાહોદ જિલ્લાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ અધતન રીતે કરતા થયા છે. આજે જિલ્લામાં ૭ કરોડનું દૂધ મંડળીઓમાં ભરતા થયા છે. આમ ખેતી સાથે બાગાયતી ખેતી, પશુપાલન વ્યવસાય ખેડૂતો માટે ખૂબજ લાભદાયી છે ત્યારે ખેડૂતો આ તરફ વળે તેવી શ્રી ખાબડે અપીલ કરતાં આ જિલ્લાના સિંચાઇના પ્રશ્નના ઉકેલ માટે રાજય સરકારે ૧૨ હજાર કરોડની યોજના મંજુર કરી છે. તેના પ્રથમ તબક્કાની કામગીરી માટે ૮૦૦ કરોડની ફાળવણી સાથે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એમ શ્રી ખાબડે જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતુ; કે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસો થકી આજે ખેડુતોનું જીવન ધોરણ ઉંચુ આવ્યું છે. દાહોદ જિલ્લામાં બાગાયતી ખેતી વાવેતરમાં છેલ્લા પંદર વર્ષમાં ૫૪ ટકાનો વધારો થયો છે. જીલ્લામાં ફળપાક, શાકભાજી, મશાલા અને ફુલ પાકોમાં કુલ ૨૬૬૨૬ હેકટરમાં વાવેતર થયું છે અને ૩૩૧૫૮૧ મેટ્રિક ટન બાગાયતી વાવેતર થયું છે.
કેન્દ્ર અને રાજય સરકારના પ્રયાસો થકી દાહોદ જિલ્લામાં બાગાયતી પાકોના વાવેતરમાં ૫૪ ટકા જેટલો માતબર વધારો થયો છે.
વનબંધુ કલ્યાણ યોજના થકી દાહોદમાં તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થયો છે જેમાં અધ્યતન સુવિધાયુકત કૃષિ- પોલીટેકનીક-એન્જિનીયરીંગ કોલેજ ૧૭ કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવામાં આવી. જેમાં નવી પેઢી અધ્યતન કૃષિનું જ્ઞાન મેળવી રહી છે. જે કૃષિ ક્ષેત્રમાં આવનારા દિવસોમાં આમુલ પરિવર્તન લાવશે. ડ્રીપ ઇરીગેશન માટે ૭૫ ટકા સહાય સાથે બેન્ક ધ્વારા ૨૫ ટકા સહાયનો લાભ ખેડુતોને મળનાર છે. તો તેના લાભ લઇ ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવા સાંસદશ્રી ભાભોરે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ર્ડા. પી. પી. પટેલે તથા સંયુકત બાગાયત નિયામક, વડોદરા, બી. યુ. પરમારે બાગાયત પાકો માટે કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓની ખેડૂતોને વિસ્તૃત જાણકારી આપી હતી. તેમને દાહોદ જિલ્લાના ખેડૂતોએ બાગાયતી ખેતી પરત્વે કરેલ પહેલને બિરદાવી હતી.
આ પ્રસંગે જિલ્લાના પ્રેરણા સ્ત્રોત એવા સફળ ખેડૂતોનુ મંત્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન દાહોદ બાગાયત નિયામક બી. એસ. વાળંદે તથા આભાર વિધિ, મુવાલીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ર્ડા. યુ. એમ. પટેલે કરી હતી. કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અધિકારીઓ ધ્વારા ખેડૂતોને બાગાયત ખેતી અધતન ખેતી પર વિશેષ માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.
આ સંમેલનમાં બાગાયત વિભાગ, સદ્ગુર ફાઉન્ડેશન, કૃષિ પોલીટેકનીક કોલેજ, કેવીકે દ્વારા, ખેડૂતોને પ્રેરણા સ્ત્રોત એવા અધતન ખેતી અંગેના પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.