Wednesday, April 9, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ખાતે ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિન એટલે શિક્ષક દિનના દિવસે દાહોદ...

દાહોદ ખાતે ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિન એટલે શિક્ષક દિનના દિવસે દાહોદ જિલ્લા – તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતા રાજયમંત્રી બચુભાઇ ખાબડ

KEYUR PARMAR – DAHOD

 

સમાજને નવી દિશા બતાવવાનું કામ શિક્ષકના હાથમાં છે.
ઇશ્વર પછીનું પદ શિક્ષકનું છે. : પશુપાલન અને ગૈાસંવર્ધન રાજયમંત્રી બચુભાઇ ખાબડ

બાળકને સંસ્કારો આપવા સાથે તેના ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષકનો મહત્વનો ફાળો રહેલો છે. શિક્ષક છેવાડાના આદિવાસી – પછાત – ગરીબ બાળકમાં રહેલી સુષુપ્ત શકિત ઓને ઉજાગર કરવાની મહત્વની જવાબદારી અદા કરવા તત્પર રહે. : દાહોદ જિલ્લા કલેકટર જે.રંજીથકુમાર

ભારત રત્ન અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ ૫ મી સપ્ટેમ્બર-૨૦૧૭ની ઉજવણી રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજયમંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન તેઓના હસ્તે રાધે પાર્ટી પ્લોટ, રળીયાતી રોડ, દાહોદ ખાતે કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં પશુપાલન રાજયમંત્રી બચુભાઇ ખાબડે શ્રેષ્ઠ શિક્ષકોને શાલ ઓઢાડી પારિતોષિક, પ્રમાણપત્ર એનાયત કરી અભિંનદન પાઠવતાં જણાવ્યું હતું કે ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ત્યાર પછી રાષ્ટ્રપતિ તરીકેના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચનાર ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસની ઉજવણી શિક્ષણ સાથે સમાજ ઉત્થાન ક્ષેત્રે મહત્વની ફરજો અદા કરનાર શિક્ષકોના સન્માન સાથે ઉજવણી કરવાનો નિર્ધાર તેમને કર્યો હતો. તેઓ એક ગરીબ પરિવારમાંથી શિક્ષણ લઇને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવામાં શિક્ષણનો ફાળો મહત્વનો છે તેમ જણાવ્યું હતું.
વધુમાં રાજયમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે ઇશ્વર પછીનું મહત્વનું પદ એટલે શિક્ષક. સમાજને નવી દિશા બતાવવા સાથે તેઓના ઉત્કર્ષ માટેની તાકાત શિક્ષકમાં છે. તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણ જેવા મહાયજ્ઞને પ્રજજવલિત કરવા નવતર શૈક્ષણિક અભિયાનો હાથ ધર્યા હતા. પરિણામ સ્વરૂપ આજે રાજયમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવ્યું છે. જેની નોંધ દેશ અને વિશ્વ નોંધ લઇ રહ્યું છે. છેવાડાના વિસ્તારોમાં વિજ્ઞાન પ્રવાહની ઇજનેરી કોલેજો શરૂ કરી આદિવાસી બાળક ઉચ્ચ હોદ્દા સુધી પહોંચે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. તેમ જણાવતાં આ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ માટે મેડીકલ કોલેજ ટુંકાગાળામાં દાહોદ ખાતે શરૂ કરવામાં આવશે તેમ જણાવતાં શિક્ષકો બાળકોને પ્રમાણિકતા, નિષ્ઠાપૂર્વક સંવેદન સાથે શિક્ષણ આપે તેવી આ તબકકે ખાસ અપેક્ષા કરવા સાથે ટકોર કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીના ઉજજવળ ભવિષ્ય અને સમાજના ઉત્થાન સાથે રાજય અને દેશના વિકાસમાં શિક્ષકનો મહત્વનો ફાળો છે. તે માટે જ આ સન્માન કાર્યક્રમ યોજવામાં આવે છે. જેથી શિક્ષકોને પ્રોત્સાહન મળી શકે જે અનિવાર્ય અને જરૂરી છે. બાળક મોટા ભાગનો સમય શિક્ષક સાથે વ્યતિત કરે છે. ત્યારે શિક્ષકનું વર્તન “બીગ બોસ” તરીકેનું બાળકના માનસ પટલ પર હોય છે. બાળકને શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાનું કામ શિક્ષક કરી શકે છે. તેમ જણાવતાં આ વિસ્તારના ગરીબ આદિવાસી બાળકોને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયો માટે પ્રોત્સાહિત કરવા સાથે શાળામાં વ્યસનોથી મુક્ત થવા કલેકટર એ તાકીદ કરી હતી. અને વધુ શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષકો તરીકેનું ભવિષ્યમાં સન્માન મેળવે તેવી કલેક્ટરએ અપેક્ષા વ્યકત કરી હતી.
આ કાર્યક્મમાં સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.નિનામાએ તથા આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.વી.વ્યાસે કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.વી.ઉપાધ્યાય, નગરપાલિકા પ્રમુખ સંયુકતાબેન મોદી, ભાજપા મહામંત્રી નરેન્દ્રભાઇ સોની, ગુર્જર ભારતી સંસ્થાના પ્રમુખ ગોપાલભાઇ ધાનકા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી યુ.કે.હાંડા, પ્રાથમિક – માધ્યમિક શાળાના આચાર્યો, શિક્ષકો, અગ્રણીઓ, નગરજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments