દેશભરમાં રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લાના મુખ્ય મથકે ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે સ્વામી વિવેકાનંદ ચોકથી પોલીસ એસ્કોર્ટિંગ સાથે સાંજે ૦૫:૩૦ કલાકે નીકળી યાદગાર ચોક, નગરપાલિકા થઇ પડાવ ચોક ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે સમાપન કરવામાં આવ્યું હતું. આ ત્રિરંગા યાત્રાને નિવાસી અધિક કલેક્ટર એમ.બી.ચૌધરી તથા નગર સેવા સદનના પ્રમુખશ્રી અભિષેક મેડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્રિરંગા યાત્રામાં સૌથી આગળ ક્રાંતિકારીઓ પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, વીર ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની તસ્વીરોથી સુશોભિત રાષ્ટ્ર ધ્વજ સાથેની ખુલ્લી પોલીસ જીપમાં રાષ્ટ્રધ્વજને સન્માન સાથે રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્ર ધ્વજ સાથેની જીપની પાછળ પોલીસ બેન્ડ, પોલીસ બેન્ડની પાછળ પોલીસ જવાનો, પોલીસ સ્ટુડન્ટ કેડેટ, એન.સી.સી.ના કોલેજના સ્ટુડન્ટ જવાનો ગણવેશ સાથેની બાઇક સવારી અને તેની પાછળ સ્થાનિક નાગરિકો, યુવાનો, બાઇક સવારીથી જોડાયા હતા. ત્રિરંગા યાત્રા શરૂ થવા પહેલાં દેશભક્તિના ગીતોનું સતત ગાન કરવામાં આવ્યું હતું.
ત્રિરંગા યાત્રાના સમાપન સ્થળે રાષ્ટ્રધ્વજને સન્માન પૂર્વક ઇન્ડીયન ફ્લેગકોડ પ્રમાણે સલામી આપી ઉતારવામાં આવ્યો હતો. સમાપન સ્થળ પડાવ ચોક ખાતે “યાદ કરો કુરબાની” કાર્યક્રમ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. સમાપન કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મશાલ પ્રજ્વલન કરવામાં આવી હતી.
ત્રિરંગા યાત્રાના સમાપન સ્થળ પડાવ ચોક ખાતે ભાજપ મહામંત્રી દિપેશ લાલપુરવાલાએ પ્રસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે આપણને મળેલી મહામુલી આઝાદી સાથે આઝાદી અપાવનાર વીર શહીદોની શહાદતોને નવી પેઢી ભુલે નહીં અને દેશની અખંડિતતા માટે તમામ નાગરિકો પોતાનું કર્તવ્ય દેશભાવના સાથે બજાવે તેવો યાત્રાનો મૂળભૂત ઉદ્દેશ્ય છે. તેમ જણાવતા દેશની અખંડિતતા માટે અને દેશને સર્વોચ્ચ શિખરો પર લઇ જવા માટે દરેક નાગરિકની ફરજો અંગેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્મમાં નગરપાલિકાના ચીફ ઓફિસર રાયચંદાણી, પૂર્વ પ્રમુખ સંયુક્તાબેન મોદી, નગરપાલિકાના કાઉન્સિલરો, નગરજનો, યુવા ભાઇ બહેનો, વિદ્યાર્થીઓ સહિત અગ્રણીઓ, નગરજનો વગેરે જોડાયા હતા.