દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા P.S.I. પી.કે.જાદવ તેમના સ્ટાફના માણસો સાથે ગરબાડા પો.સ્ટે. વિસ્તારમાં નાઇટમાં કોમ્બિંગ માટે નીકળેલા હતા અને તે દરમ્યાન ચંદલા ગામે જતાં તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે ચંદલા ગામના હોળી ફળીયામાં રહેતા (૧) ફતીયાભાઇ જવાભાઇ કટારા (૨) બચુભાઇ રામચંદભાઇ કટારા (3) બરસીંગભાઇ રામચંદભાઇ કટારા (૪) કનુભાઇ ગુલાભાઇ કટારા વિગેરે માણસોએ કનુભાઇના ઘરની બાજુમાં ખુલ્લામાં એક ગાય કાપી નાંખેલ છે. જેવી બાતમી મળી કે તરત જ ગરબાડા P.S.I. પી.કે.જાદવ તેમના સ્ટાફના માણસો સાથે ચંદલા હોળી ફળીયામાં કનુભાઇ ગુલાભાઇ કટારાના ઘર આગળ ગયા. પોલીસની ગાડી જોઇ ઉપરોક્ત ચારેય ઇસમો ભાગી ગયેલ જેથી પોલીસે તેમનો પીછો કર્યો હતો પરંતુ તેઓ પકડાયેલ નહી પણ પોલીસે તેમને ટોર્ચ (બેટરી) ના અજવાળે ઓળખી કાઢ્યા હતા. ત્યારબાદ પછી પોલીસ કનુભાઇના ઘર બાજુ પરત આવીને તપાસ કરતાં ત્યાં એક ગૌવંશ કતલ કરેલ પડેલ હતું અને તેની ચામડી કાઢી નાખેલ હતી અને તેના પગ તથા માંસ પણ કાપેલુ પડ્યું હતું. પોલીસે વેટેનરી ઓફિસરનો સંપર્ક કરી વેટેનરી ઓફિસરને સ્થળ ઉપર બોલાવી નિરીક્ષણ કરાવતા કતલ કરેલ ગૌવંશમાંથી વેટેનરી ઓફિસરે સેમ્પલ લઈ તેઓએ પ્રાથમિક તપાસ કરી ગૌવંશનું કતલ કરેલ હોવાનું જણાવેલ. આ આરોપીઓએ ગાયને કાપી નાખી કતલ કરેલ, ગાયની બાજુમાંથી ગાયને મારવામાં વાપરેલ હથિયારમાં એક લોખંડની કુહાડી, એક લોખંડનું પાળીયું અને બે દાતરડાનું પોલીસે પંચનામુ કરી તપાસ અર્થે કબજે લીધેલ અને કતલ કરેલ ગૌવંશનો નજીક કોતરમાં લઇ જઇ ઉંડો ખાડો કરી નાશ કર્યો હતો.
ગાયની હત્યા કરનાર (૧) ફતીયાભાઇ જીવાભાઇ કટારા (૨) બચુભાઇ રામચંદભાઇ કટારા (૩) બરસીંગભાઇ રામચંદભાઇ કટારા (૪) કનુભાઇ ગુલાભાઇ કટારા તમામ રહે. હોળી ફળીયા, ચંદલા. તા.ગરબાડા, જી.દાહોદ. તેઓની વિરૂધ્ધમાં ગરબાડા પોલીસે I.P.C. કલમ તેમજ એનીમલ ક્રૂએલ્ટી એકટ કલમ મુજબ કાયદેસરની ફરીયાદ નોંધી વધુ તપાસ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.