ગરબાડા તાલુકાના સાહડા ગામે આજે સવારે બે મોટર સાઇકલો સામસામે ભટકાતાં અકસ્માત સર્જાતા મોટર સાઇકલ સવાર મધ્યપ્રદેશના એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજયું છે જ્યારે બીજી મોટર સાઇકલ ઉપર સવાર બે ઇસમોને પણ અકસ્માતમાં ઇજાઓ પહોંચતા તેમને ૧૦૮ વાન મારફતે દવાખાને લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના છોટીફાડા આંબલી ફળીયામાં રહેતા કેકરીયાભાઈ પિરૂભાઈ માવી ઉ.વ. ૩૫ આજે સવારના અંદાજે સાડા છ વાગ્યાના સુમારે તેમના ઘરેથી તેમની હીરો કંપનીની MP-45 MB-5181 નંબરની બાઈક સર્વિસ કરાવવા માટે દાહોદ જવા નીકળ્યા હતા તે દરમ્યાન ગરબાડા તાલુકાના સાહડા ગામે આવતા સામેથી GJ-20 Q-9514 મોટર સાઇકલના ચાલકે તેના કબજાની મોટર સાઇકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કેકરીયાભાઈ પિરૂભાઈ માવીની બાઈક સાથે અથડાવતા કેકરીયાભાઈ પિરૂભાઈ માવીને છાતીના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તથા છાતીના ભાગે તેમજ ડાબા પગે લોહી નીકળતા કેકરીયાભાઈ પિરૂભાઈ માવીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે આ અકસ્માતમાં GJ-20 Q-9514 મોટર સાઇકલ ઉપર સવાર બે ઇસમોને પણ ઇજાઓ પહોંચતા આ બંને યુવકોને ૧૦૮ વાન મારફતે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.
આ અકસ્માત બાબતે મૃતક કેકરીયાભાઈ પિરૂભાઈ માવીના ભત્રીજા ભિસનભાઈ માદરિયાભાઈ માવીએ GJ-20 Q-9514 મોટર સાઇકલના ચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ભિસનભાઈ માદરિયાભાઈ માવીની ફરીયાદના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે.