દાહોદ જિલ્લાના
ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા નગરનો આઝાદ ચોક – ચાર રસ્તા વિસ્તાર રોજગારી તથા ટ્રાફિકથી ચોવીસે કલાક સતત ધમધમતો રહે છે. તેમજ આ વિસ્તાર આંતરરાજ્ય મધ્યપ્રદેશને જોડતો વિસ્તાર આવેલ છે. અને રાજ્યની સુરક્ષાને જોડતો અગત્યનો આ માર્ગ ચોકડી (વિસ્તાર) હોવાથી સ્થાનીક રહીશોની તથા વેપારીઓની સલામતી રહી શકે તેમજ વેપારીઓ સરળતાથી ભયમુક્ત રીતે ધંધો રોજગાર કરી શકે તે માટે આ વિસ્તારમાં એસ.આર.પી. (S.R.P.) પોઈન્ટની ખાસ જરૂરિયાત છે. વળી આજ વિસ્તારમાં અંદાજિત ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધરાવતી શાળા પણ આવેલ છે. તો તમામ પાસા ધ્યાનમાં લઈને ૨૪ કલાક ફરજ ઉપર હાજર રહે તે રીતે S.R.P. પોઈન્ટ મૂકવા આઝાદ ચોક વિસ્તારના રહીશોનો માંગ છે.
વધુમાં આજ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા આશરે ૭ વર્ષ અગાઉ પ્રજાના પ્રશ્નોને તેમજ પ્રજાની સુરક્ષાને ધ્યાને લઈ “પોલીસ ચોકી” તૈયાર કરવામાં આવી હતી જે પોલીસ ચોકી હાલ શોભાના ગાંઠીયા સમાન બની છે. તો સદર પોલીસ ચોકી પણ ૨૪ કલાક કાર્યરત રહે તેવી પણ ગરબાડા આઝાદ ચોક વિસ્તારના રહીશોની માંગ છે અને આ બાબતે ગરબાડા આઝાદ ચોક વિસ્તારના રહીશોએ એક અરજી પણ ગરબાડા પોલીસ સ્ટેશન તેમજ દાહોદ એસ.પી. કચેરીએ આપેલ છે.
વધુમાં આવનાર નજીકના દિવસોમાં હોળીના મોટા તહેવારની તથા લગ્નોત્સવની પણ શરૂઆત થનાર છે જેના કારણે આ વિસ્તારમાં લોકોનો ભારે ઘસારો રહેતો હોય છે તેમજ ધંધા રોજગાર પણ સતત ધમધમતા રહે છે. જેથી સંબંધિત તંત્ર આ બાબતને ગંભીરતાથી લે અને ગરબાડા ખાતે આઝાદ ચોક-ચાર રસ્તા વિસ્તારમાં SRP પોઈન્ટ તથા પોલીસ ચોકી કાર્યરત કરે તે ઇચ્છનીય છે.
આઝાદ ચોક વિસ્તારમાં સાત વર્ષ અગાઉ પ્રજાની સુરક્ષાને ધ્યાને લઈ “પોલીસ ચોકી” તૈયાર કરવામાં આવી હતી જે પોલીસ ચોકી હાલ શોભાના ગાઠીયા સમાન બની છે.