દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગ ગામના બારિયા ફળીયામાં ગત રોજ એક ૩૦ વર્ષીય યુવકને ગડદાપાટુ માર મારી તેમજ તેના ગુપ્ત ભાગે લાતો મારી ગળું દબાવી મોતને ઘાટ ઉતારતા મૃતકના યુવકના પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગયેલ છે. આ બનાવ સંદર્ભે મૃતક યુવકના પિતાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ગરબાડા પોલીસે મૃતકના પિતાની ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગના બારીયા ફળીયા મુકામે ગત તા.૨૭/૦૪/૨૦૨૦ ના સોમવારના રોજ વરસિંગભાઈ કાળુભાઇ બારીયાના કાકાના છોકરા રાજેશભાઇ જીથરાભાઇ બારીયાના છોકરા અક્ષયની સગાઇ માટે ભીટોડી ગામના માણસો સવારના દશેક વાગ્યે રાજેશભાઇના ઘરે આવ્યા હતા અને વરસિંગભાઈ કાળુભાઇ બારીયાના કુટુંબના માણસો રાજેશના ઘરે ભેગા થયા હતા. પરંતુ વરસિંગભાઈ કાળુભાઇ બારીયા તથા તેમના છોકરાઓ રામદેવપીરના ભગત હોય તેઓ કોઇના ઘરનુ ખાતા-પીતા ન હોવાથી તેઓ સગાઈમાં ગયા ન હતા. સગાઈ કરવા આવેલા મહેમાન સગાઇ કરી બપોરના બારેક વાગ્યે જતા રહ્યા પછી વરસિંગભાઈ કાળુભાઇ બારીયા તેમની પત્ની કશુબેન તથા તેમના છોકરા શૈલેષભાઇ તથા લલીતભાઇ તથા મનેશભાઇ તથા મુકેશભાઇ વિગેરે માણસો સાથે તેમના ઘરે બેઠા હતા તે વખતે બપોરના અઢી વાગ્યાના સુમારે તેમના કુટુંબી અર્જુનભાઇ ચંદુભાઇ બારીયા, દિનેશભાઇ છગનભાઇ બારીયા, સંજયભાઇ ચંદુભાઇ બારીયા, ચંદુભાઇ પુંજીયાભાઇ બારીયા, કરણભાઇ પ્રેમચંદભાઇ બારીયા, કિશનભાઇ પ્રેમચંદભાઇ બારીયા, રીશનભાઇ પ્રેમચંદભાઇ બારીયા, હરમલભાઇ પુંજીયાભાઇ બારીયા તેમજ અજયભાઇ હરમલભાઇ બારીયા હાથમાં લાકડીઓ તથા પથ્થરો લઇ એક સંપ થઇ કીકીયારીઓ કરતા તેમના ઘર આગળ આવ્યા હતા અને અર્જુનભાઇ ચંદુભાઇ બારીયાએ વરસિંગભાઈને કહેલ કે તમો આપણા કુટુંબી રાજેશભાઇના ઘરે છોકરાની સગાઇમાં કેમ આવ્યા નહી તેમ કહેતા વરસિંગભાઈએ કહેલ કે અમો ભગત હોય અને કોઇના ઘરનુ ખાતા-પીતા ન હોવાથી અમો રાજેશભાઇના ઘરે ગયેલ નથી તેમ કહેતા આ તમામ માણસો વરસિંગભાઈ બારીયા ઉપર ઉશ્કેરાઇ જઇ માં-બેન સમાણી ગાળો આપતા વરસિંગભાઈ અને તેમના છોકરા શૈલેષભાઇએ ગાળો આપવાની ના પાડતા શૈલેષભાઇને અર્જુનભાઇ ચંદુભાઇ બારીયા તથા દિનેશભાઇ છગનભાઇ બારીયા તથા સંજયભાઇ ચંદુભાઇ બારીયા તથા ચંદુભાઇ પુંજીયાભાઇ બારીયાનાઓએ પકડી લીધેલ અને ગડદાપાટુનો માર મારવા લાગતા વરસિંગભાઈ તથા તેમના છોકરા છોડાવવા જતા કરણભાઇ પ્રેમચંદભાઇ બારીયા તથા કિશનભાઇ પ્રેમચંદભાઇ બારીયાએ વરસિંગભાઈને પકડી લીધેલ અને તેમના છોકરા લલીતભાઇને રીશનભાઇ પ્રેમચંદભાઇ બારીયા તથા હરમલભાઇ પુંજીયાભાઇ બારીયાએ પકડી લીધેલ અને તેમના છોકરા મલેશભાઇને અજયભાઇ હરમલભાઇ બારીયાએ પકડી લઇ ગડદાપાટુનો માર મારવા લાગેલા અને શૈલેષભાઇને તેમના ઘરના આંગણામાં જમીન ઉપર પાડી દીધેલો અને ચંદુભાઇ પુંજીયાભાઇ બારીયા તથા સંજયભાઇ ચંદુભાઇ બારીયા શૈલેષભાઇને પકડી રાખેલ અને અર્જુનભાઇ ચંદુભાઇ બારીયાએ શૈલેષભાઈનું ગળુ દબાવી દીધેલ અને દિનેશભાઇ છગનભાઇ બારીયાએ શૈલેષભાઇને ગૃપ્તભાગે લાતો મારવા લાગતા વરસિંગભાઈ બારીયાએ બુમાબુમ કરતા તેમની પત્ની કશુબેન તથા તેમના ઘરની વહુઓ દોડી આવતા આ માણસોએ તેઓને છોડી દીધેલ અને છુટા પથ્થરો મારતા લલીતભાઇને તથા મનેશભાઇને વાગતા તેઓને સાધારણ ઇજા થયેલી તે પછી આ માણસો ગાળો આપતા જઇ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તેમના ઘરો તરફ જતા રહેલ. આ બનાવ બાદ ઘરના માણસો શૈલેષભાઇ પાસે ગયેલા અને જોતા તે કઇ બોલેલ નહી અને તેને વાગેલ હોય જેથી ક્રૂઝર ગાડીમાં શૈલેષને સુવડાવી રળીયાતી અર્બન હોસ્પીટલ દવાખાને લઇને ગયેલા ત્યાં ડોકટર સાહેબે તપાસ કરતા શૈલેષ મરણ ગયેલ હોવાનુ જણાવેલ.
આ બનાવ સંદર્ભે મૃતક શૈલેષભાઈના પિતા વરસિંગભાઈ કાળુભાઇ બારીયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં સીમળીયા બુઝર્ગ ગામના બારીયા ફળીયામાં રહેતા અર્જુનભાઇ ચંદુભાઇ બારીયા, દિનેશભાઇ છગનભાઇ બારીયા, સંજયભાઇ ચંદુભાઇ બારીયા, ચંદુભાઇ પુંજીયાભાઇ બારીયા, કરણભાઇ પ્રેમચંદભાઇ બારીયા, કિશનભાઇ પ્રેમચંદભાઇ બારીયા, રીશનભાઇ પ્રેમચંદભાઇ બારીયા, હરમલભાઇ પુંજીયાભાઇ બારીયા તથા અજયભાઇ હરમલભાઇ બારીયા વિરુદ્ધ કાયદેસરની ફરીયાદ નોંધાવેલ છે.