- ભૂગર્ભ ગટર યોજના ફેલ જવાના કારણે ગરબાડાના માજી ડેપ્યુટી સરપંચ દ્વારા હાઇકોર્ટમાં આ બાબતનો કેસ કરવામાં આવ્યો હતો.
- ગાંધીનગરની ટીમ દ્વારા ભૂગર્ભ ગ
ટર યોજનાની કામગીરીની ફોટોગ્રાફી કરવામાં આવી.
ગરબાડા ખાતે ભૂગર્ભ ગટરની યોજનાની અધૂરી કામગીરીને લઈને ગાંધીનગરથી અધિક વિકાસ કમિશ્નરની ટીમ તપાસ માટે આવી હતી. જેઓએ ગામની તમામ જગ્યાએ ભૂગર્ભ ગટરની કામગીરી બાબતની તપાસ કરી ફોટોગ્રાફી પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને ગામની જૂની ગટરો પણ જર્જરિત અવસ્થા માં આવી ગઈ છે. જેથી વહેલી તકે ભૂગર્ભ ગટર યોજના ચાલુ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
ગરબાડા ખાતે વર્ષ – ૨૦૧૨ માં કરોડો રૂપીયાના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ હલકી કક્ષાની કામગીરી થઈ હોવાના કારણે આજ દિન સુધી ભૂગર્ભ ગટર યોજના ચાલુ થઇ ન હતી જે બાબતે વિવિધ જગ્યાએ ૧૦ થી વધુ વખત રજૂઆત કર્યા બાદ પણ પરિણામ ન મળતા ગરબાડા ગ્રામ પંચાયતના માજી ડેપ્યુટી સરપંચ જયેશભાઈ જોશી દ્વારા આ તા.૦૬/૦૩/૨૦૧૮ ના રોજ હાઇકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાનમાં જિલ્લાના અનેક અધિકારીઓ તથા ભૂગર્ભ ગટર યોજનાની ઓસીસ કંપની સહિત ગરબાડા ગ્રામ પંચાયતને હાઇકોર્ટનું તેડું આવ્યું હતું. આ યોજનાના લઈને અગાઉ રાજકોટની એ.જી. ઓડિટ ટીમ દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, ૨૦૧૪ માં આ યોજના પૂર્ણ બતાવી સર્ટી મેળવી લેવામાં આવ્યું હતું અને ૨૦૧૫ માં ઓસીસ કંપનીને રૂપિયા પાંચ લાખ વાર્ષિક નીભાવણી ખર્ચ પેટે પણ ચૂકવવામાં આવી રહ્યા છે અને તે સિવાય તા.૨૮/૧૧/૨૦૧૮ ના રોજ ડીડીઓ આર.કે.પટેલ, કાર્યપાલક ઈજનેર એમ.બી. પટેલ, ઓસીસ કંપનીના પ્રતિનિધિ દ્વારા આ યોજનાની મુલાકાત લેવામાં આવી હતી અને ગઇ કાલ તા.૧૪/૦૫/૨૦૧૯ ના રોજ ગાંધીનગરથી અધિક વિકાસ કમિશ્નર ગરબાડા ખાતે ગરબાડાની અધૂરી ભૂગર્ભ ગટર યોજનાની તપાસ અર્થે આવ્યા હતા અને અધિક વિકાસ કમિશ્નર શીતલબેન સાથે ચિટનીશ જાનીભાઈ, દાહોદ નાયબ કાર્યપાલક ઈજનેર એમ.બી. પટેલ, ગરબાડા તાલુકા વિકાસ અધિકારી મિલિંદ દવે, તલાટી કમ મંત્રી મહેન્દ્રભાઈ ગોહિલ, ગરબાડા ગ્રામ પંચાયત સરપંચ અશોકભાઇ પટેલ સહિતના લોકોએ ગામની ભૂગર્ભ યોજનાની તપાસ કરી હતી અને વિવિધ જગ્યાએ ફરી યોજનાની ફોટોગ્રાફી પણ કરી હતી.
ભૂગર્ભ ગટરના દૂષિત પાણીને કાઢવા માટે ગરબાડાના નવા ફળીયા ખાતે બે તળાવ બનાવવામાં આવ્યા હતા જેમાં આજ દિન સુધી પમ્પિંગ મશીનરી દ્વારા ગટરનું દૂષિત પાણી ઠાલવવા માં આવ્યું નથી. તથા જાણવા મળ્યા મુજબ તા.૨૮/૧૧/૨૦૧૮ ના રોજ ઓસીસ કંપનીના પ્રતિનિધિઓ ગરબાડા આવ્યા હતા અને તે સમયે ભૂગર્ભ ગટર યોજનાની તમામ મોટરો રીપેરીંગ માટે અહિયાથી લઈ ગયા હતા જે આજ દિન સુધી પરત આવી નથી.
Version ~ મહેન્દ્રભાઈ ગોહિલ ~ તલાટી કમ મંત્રી ~ ગરબાડા ગ્રામ પંચાયત ~ તા.૧૪/૦૫/૨૦૧૯ ને મંગળવારના રોજ ગાંધીનગરથી અધિક વિકાસ કમિશ્નરની ટીમ તથા દાહોદ નાયબ કાર્યપાલક ઇજનેર એમ.બી.પટેલ દ્વારા ગરબાડા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી બાબતની તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેઓ દ્વારા આ તમામ યોજનાની મુલાકાત લઈ અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ભૂગર્ભ ગટર યોજનાને લઈને અત્યારે ક્યાં – ક્યાં રજૂઆત કરવામાં આવી હતી તે પત્ર વ્યવહારની ફાઇલની ઝેરોક્ષ તથા હાઇકોર્ટની મેટરની ફાઇલ લેવામાં આવી હતી.