દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડા દેવભરાડા ફળિયામાં ગત રોજ સાંજના ટ્રેક્ટરના ચાલકે તેના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા રોડની બાજુમાં આવેલ કાચા કુવામાં ટ્રેક્ટર સાથે ફેકાઈ જતાં કુવામાં ટ્રેક્ટર નીચે દબાઈ જતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજેલ છે. આ ઘટના સંદર્ભે મૃતકના ભાઈ એ ગરબાડા પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ગરબાડા સરકારી દવાખાને મોકલેલ હતી. આ ઘટના બનતા મૃતકના પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગરબાડા માળ મોહનીયા ફળિયામાં રહેતા ૨૭ વર્ષીય સુરેશભાઈ વીરસીંગભાઈ મોહણીયા તથા તેમનો ભત્રીજો સવેસીંગ એમ બંને જણા ગઇ કાલ તા.૧૩/૦૬/૨૦૨૦ ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે મોટર સાઇકલ લઈને કાળાખૂંટ ગામે તેમની બહેનને ત્યાં ટ્રેક્ટર લેવા ગયેલા. સવેસીંગ મોટર સાઇકલ લઈને પહેલા ઘરે આવી ગયેલ અને સુરેશભાઈ વીરસીંગભાઈ મોહણીયા ટ્રેક્ટર ચલાવી ઘરે આવતા હતા. તે દરમ્યાન દેવભરાડા ફળિયાના સ્મશાન પાસે આવેલ ખુલ્લા કુવામાં ટ્રેક્ટર સાથે ખાબકતાં સુરેશભાઈ ટ્રેક્ટર નીચે દબાઈ જતાં માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજેલ હતું.
આ ઘટના બનતા મૃતક સુરેશભાઈ વીરસીંગભાઈ મોહણીયાના મોટા ભાઈ વિનુભાઈ વીરસીંગ મોહણીયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.