દાહોદ જિલ્લો એટલે આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે. આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર એટલે હોળી, આદિવાસી સમાજના લોકો વર્ષ દરમ્યાન રોજગારી માટે રાજ્યના અનેક શહેરોમાં હિજરત કરી જતાં હોય છે પરંતુ ગમે તે સ્થળે હોય પણ હોળીનો તહેવાર ઉજવવા તેમજ વિવિધ મેળાઓની મોજ માણવા માદરે વતન અચૂક આવતા હોય છે અને હોળીના તહેવાર બાદ આદિવાસી સમાજનો લગ્નોત્સવ પણ શરૂ થાય છે.
ગરબાડા પંથકમાં હોળીના તહેવાર પૂર્વે આદિવાસીઓનો હાટ ભરાય છે અને આ છેલ્લા હાટને ગલાલીયો હાટ કહેવામાં આવે છે. જેમાં મેળો પણ ભરાય છે આ ગલાલીયા હાટના મેળાની મઝા માણવા મોટી સંખ્યામાં આદિવાસીઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આજે તા.૧૭/૦૩/૨૦૧૯ રવિવારના રોજ ગલાલીયા હાટ અને આમલી અગિયારસનો સમન્વય થતાં લોકો મેળામાં અને બજારમાં ઉમટી પડ્યા હતા અને લોકોએ મેળામાં હીચકે ઝૂલવાની તેમજ ખાણી, પીણીની મોજ માણી હતી.