રોજગારી માટે હિજરત કરી ગયેલ આદિવાસી પ્રજા હોળીના તહેવાર તથા વિવિધ મેળાઓની રંગત માણવા માદરે વતન આવી ખરીદી માટે ઊમટી પડતા ગરબાડા તાલુકાના બજારોમાં ભારે ભીડ જોવા મળી.
આદિવાસી બહુમૂલ્ય ધરાવતાં દાહોદ જિલ્લામાં હોળીના તહેવારનું અનેરું મહત્વ છે. દાહોદ જિલ્લામાંની આદિવાસી પ્રજા તેમના પરિવારોનું ગુજરાન ચલાવવા સ્થાનિક રોજગારી ના અભાવના લીધે રોજગારી મેળવવા ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરો તથા દેશના અન્ય શહેરોમાં હિજરત કરતી હોય છે. પરંતુ તેઓ હોળીનો તહેવાર ઉજવવા તેમજ વિવિધ મેળાઓની મોજ માણવા અચૂક પોતાના માદરે વતનમાં આવતા હોય છે. હોળીના તહેવારને લઈને તેમનામાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળે.છે. તેમજ હોળી બાદ આદિવાસી સમાજનો લગ્નગાળો પણ શરૂ થતો હોય છે.
ગરબાડા તાલુકામાંથી રોજગારી માટે રાજ્યના નાનામોટા શહેરો માં હિજરત કરી ગયેલ આદિવાસી પ્રજા હોળીના તહેવાર તથા ત્યારબાદ આદિવાસી સમાજના લગ્નગાળાને અનુલક્ષીને પરત આવવા લાગતા સરકારી એસટી બસોમાં તેમજ ખાનગી વાહનોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે અને આદિવાસી પ્રજા માદરે વતન પરત આવી જુદીજુદી ખાણીપીણીની ચીજ વસ્તુઓ તેમજ કપડાં, બુટ-ચપ્પલ વિગેરે સરસમાનની ખરીદી માટે ઊમટી પડતા તાલુકાના બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.
અહીંના સ્થાનિક વેપારીઓ પણ વેપાર ધંધા માટે મુખ્યત્વે આદિવાસી પ્રજા ઉપર જ આધાર રાખતા હોવાથી આદિવાસી પ્રજા માદરે વતન પરત આવવાથી નાના વેપારીઓથી માંડી મોટા વેપારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળે છે.