મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ગરબાડા તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીને અનુલક્ષીને તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ગરબાડા નગરમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી, સરપંચ સહિતના મહાનુભાવોએ નગરમાં સફાઇ કાર્ય આદરી કચરો અને ખાસ કરીને પ્લાસ્ટિકનો કચરો એકત્ર કર્યો હતો.
ગરબાડા તાલુકા કુમાર શાળા ખાતે મહાનુભવો દ્વારા ગાંધીજી ની છબિને સુતરની આટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત મહાનુભવોએ અને નગરજનોએ તથા શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા અને ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા માટે મહાનુભવો દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી હતી.
વધુમાં, મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી નિમિતે ગરબાડા તાલુકા કુમાર શાળા, કન્યા શાળા તથા સરકારી વિનિયન કોલેજ ગરબાડાના વિદ્યાર્થીઓએ ગરબાડા નગરમાં રેલી કાઢી હતી.