પોલિયો નાબુદી અભિયાન હેઠળ નવી પેઢીને આજીવન અપંગતાથી મુક્ત અને સ્વસ્થ રાખવા નિયમિત સમયાંતરે નવજાત થી પાંચ વર્ષની ઉમર સુધીના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી પોલિયોના રોગ સામે રક્ષિત કરવામાં આવતા હોય છે. પોલિયો રસીકરણ – ૨૦૨૦ અંતર્ગત કેન્દ્ર સરકારના પલ્સ પોલિયો અભિયાન હેઠળ રાજ્ય સરકારના કમિશ્નરશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો નાબૂદી અભિયાન હેઠળ આજે તા.૧૯/૦૧/૨૦૨૦ ને રવિવારના રોજ પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગરબાડા પંચાયત ઓફિસ (પોલિયો બુથ) ખાતે તથા ગરબાડા તાલુકાના અન્ય પોલિયો બુથ ઉપર પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું અને નવજાત થી ૫ વર્ષ સુધીના બાળકોને ઓરલ પોલિયો વેક્સિનના બે ડ્રોપ્સ પીવડાવી બાળકોને પોલિયોના રોગ સામે રક્ષિત કરવામાં આવ્યા હતા. ગરબાડા ખાતે ગરબાડા ગ્રામ પંચાયત પોલિયો બુથ ઉપર મિનાકયાર PHC ના ડોક્ટર પ્રિયંકા તેમજ ગરબાડા સરપંચ અશોકભાઇ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પોલિયો રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી.
પોલિયો રસીકરણના બીજા અને ત્રીજા દિવસે એટલે કે તા.૨૦/૦૧/૨૦૨૦ અને તા.૨૧/૦૧/૨૦૨૦ ના રોજ કર્મચારીઓની ટીમ બનાવી ઘરોની મુલાકાત લઈને બાકી રહેલા બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવશે. આમ નવજાતથી પાંચ વર્ષની ઉમર સુધીના એકપણ બાળક પોલયોની રસીના બે ટીપાંથી વંચિત ન રહે તે રીતે કામગીરી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.