મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી કેન્દ્રીય પ્રશાસન એકેડેમીના ૯૪ માં ફાઉન્ડેશન કોર્સના ૪૨ સનદી અધિકારીઓ તેમની રૂરલ ફિલ્ડ વિઝીટ માટે દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાનાં ગામડાઓની મુલાકાતે આવેલા છે. આ ૪૨ સનદી અધિકારીઓ પૈકી ૦૬ અધિકારીઓની ટીમ આજે તા.૨૦/૧૦/૨૦૧૯ ને રવિવારના રોજ ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડાના હાટ બજારની મુલાકાતે આવ્યા હતા અને હાટ બજારની મુલાકાત લીધી હતી. હાટ બજારમાં વેચાણ માટે આવતી ચીજવસ્તુઓનું નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી. ગરબાડા ખાતે આવેલ અધિકારીઓની ટીમનું ગરબાડા સરપંચ અશોકભાઈ પટેલ તથા તલાટીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને ગામની ભૌગોલિક પરિસ્થિતિથી તેઓને વાકેફ કર્યા હતા.
ગરબાડાના હાટ બજારમાં ફર્યા બાદ સનદી અધિકારીઓની ટીમ ગરબાડાના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી અને મહાદેવજી દર્શન કરી, રંગ કુટીરની મુલાકાત લઈ બાદ મંદિરના પટાંગણમાં પડેલા પ્રાચીન સમયના અવશેષો નું પણ નિરીક્ષણ કર્યું હતું અને મંદિર વિશેની માહિતી મેળવી હતી. ત્યાં ગરબાડાના સરપંચ અશોકભાઈ પટેલે તેઓને ગરબાડાની સુપ્રસિદ્ધ વેરાઈટી ખુરચન અને કચોરીનો નાસ્તો કરાવ્યો હતો. ત્યારબાદ આ ટીમ તાલુકાના અન્ય ગામડાઓની મુલાકાત માટે રવાના થઇ હતી.